બ્રેડ ઉપમા

ઓહ, આ વરસાદ… કોઈ વસ્તુ લેવા દુકાને જવું હોય તો કંટાળો આવે છે નહિં?  પણ બ્રેડ-બટર તો મોટાભાગે ઘરમાં હોય જ છે. તો ચાલો, બનાવીએ બ્રેડનો ઉપમા!!!

 

 

સામગ્રીઃ 4-5 બ્રેડ સ્લાઈસ 1 ઈંચ ચોરસ ટુકડામાં કટ કરેલી, 1 નાનો કાંદો, 2 ટમેટાં, 2  ટે.સ્પૂન તેલ, ½ ટી.સ્પૂન રાઈ, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હીંગ, 2 લીલાં મરચાં, 1 ઈંચ આદુનો ટુકડો, મીઠું સ્વાદાનુસાર, ¼ ટી.સ્પૂન હળદર પાવડર, ¼ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન ગરમ મસાલો, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, 4-5 કળીપત્તાંના પાન

 

રીતઃ કાંદો, ટમેટાં, આદુ તેમજ મરચાં અલગ-અલગ ઝીણાં સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. રાઈ ફુટે એટલે જીરૂં ઉમેરી દો. જીરૂં લાલ થાય એટલે હીંગ તેમજ કળીપત્તાંના પાન નાખીને સમારેલાં આદુ-મરચાં વઘારમાં નાખો. 2-3 મિનિટ સાંતળી લીધાં બાદ કાંદો નાખીને સાંતડો. હલકો ગુલાબી સાંતળીને એમાં ટમેટાં ઉમેરી દો.

હવે ટમેટાં નરમ થઈ ઓગળે એટલે બધાં સૂકા મસાલા ઉમેરી દો. અને થોડીવાર મિશ્રણને ઢાંકીને 2-3 મિનિટ માટે ગેસની આંચ ધીમી રાખીને મૂકો. આ મિશ્રણ સાવ સૂકું ના કરવું. હવે એમાં બ્રેડના ટુકડા ઉમેરી દો અને ધીમીથી મધ્યમ આંચે ફેરવતાં રહો. 5 મિનિટ બાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. અને કઢાઈ નીચે ઉતારી લો.

આ ઉપમાને વધુ હેલ્ધી બનાવવા તમે બાફેલી કોર્ન અથવા ફણગાવેલા કઠોળ બાફીને ઉમેરી શકો છો.