દોહા/નવી દિલ્હીઃ 100 પ્રવાસીઓ સાથે દિલ્હીથી દોહા તરફ જઈ રહેલી કતર એરવેઝની ફ્લાઈટને કોઈક ટેક્નિકલ ખામીને કારણે પાકિસ્તાનના કરાચી શહેર તરફ વાળી દેવામાં આવી હતી. ફ્લાઈટ QR579 આજે વહેલી સવારે 3.50 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થઈ હતી અને તે દોહા જવાની હતી.
વિમાનમાં પ્રવાસ કરી રહેલા ડો. સમીર ગુપ્તા નામના એક કાર્ડિયોલોજિસ્ટે આમ ટ્વીટ કર્યું હતું: ‘દિલ્હી-દોહા ફ્લાઈટ QR579 નું સ્ટેટસ શું છે? શું એને કરાચી તરફ વાળવામાં આવી હતી? પ્રવાસીઓને તે વિશે કોઈ જાણકારી અપાઈ નહોતી કે ખાવા માટે કોઈ ચીજ અપાઈ નહોતી કે પાણી સુદ્ધાં આપવામાં આવ્યું નહોતું. કસ્ટમર કેરને કંઈ ખબર જ નથી. મહેરબાની કરીને મદદ કરો.’ રમેશ રાલિયા નામના એક અન્ય પ્રવાસીએ કહ્યું હતું કે, ‘અમારામાંના ઘણા પ્રવાસીઓને દોહાથી કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ અમારી ફ્લાઈટને કરાચીથી ટેક-ઓફ કરાઈ હતી એ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. અમારી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પરથી આજે વહેલી સવારે 3.50 વાગ્યે ઉપાડવામાં આવી હતી અને 5.30 વાગ્યે વિમાન કરાચીમાં ઉતર્યું હતું.’