પાકિસ્તાની PMએ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન હાલના સમયે દેશમાં ચોતરફથી પડકારોનો સામનો કરી રહ્યા છે. વિપક્ષની સાથે-સાથે તેમની પાર્ટીના સાંસદોએ પણ તેમની સામે બગાવત શરૂ કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતે અમેરિકી પ્રતિબંધો છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પ્રખર ટીકાકાર રહેલા ખાને ભારતીય વિદેશ નીતિની ખૂલીને પ્રશંસા કરી હતી.

ખૈબર-પખ્તૂનખા પ્રાંતમાં એક સભાને સંબોધિત કરતાં ખાને કહ્યું હતું કે તેઓ પડોશી દેશ ભારતની પ્રશંસા કરશે, કેમ કે એની પાસે એક સ્વતંત્ર વિદેશ નીતિ છે. તેમણે કહ્યું હતું કે ભારત ક્વાડ ગ્રુપનો હિસ્સો છે અને એણે અમેરિકી પ્રતિબંધો છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. ભારતની વિદેશ નીતિ પણ પાકિસ્તાની જનતાના હિતમાં રહેશે. ક્વાડ ડેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
સંસદમં અવિશ્વાસનો પ્રસ્તાવનો સામનો કરતાં પહેલાં ઇમરાન ખાન જનતાનો ટેકો મેળવવા માટે સભા કરી રહ્યા છે. હું કોઈની સામે ઝૂકીશ નહીં અને દેશને કોઈની આગળ ઝૂકવા નહીં દઉં, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન યુરોપીય સંઘને વિનંતી કરીને કોઈ લાભ નહીં થાય. અમે અફઘાનિસ્તાનમાં આતંકવાદની સામે અમેરિકી યુદ્ધનો હિસ્સો બન્યા અને 80,000 લોકો અને 100 અબજ ડોલર ગુમાવ્યા છે.