અમેરિકા યૂક્રેનને વધુ-મિસાઈલ આપશે; ભારત રશિયાનું-ક્રૂડ ખરીદશે

ન્યૂયોર્કઃ અમેરિકાએ રશિયા સાથે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનને જેવેલીન અને સ્ટિંગર મિસાઈલો સહિત અમેરિકી શસ્ત્રોનો નવો જથ્થો મોકલવાનું નક્કી કર્યું છે. યૂક્રેનના રાષ્ટ્રીય સુરક્ષા સચિવ દાનિલોવે આ જાણકારી આપી છે. યૂક્રેનના સાથી દેશોએ યૂક્રેનના લશ્કરને ઢગલાબંધ શસ્ત્રો મોકલ્યા છે, જેથી તેના સૈનિકો રશિયન આક્રમણખોરોનો સામનો કરી શકે.

ભારતની રીફાઈનરીઓ રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદશે

ભારત સરકારે તેની હસ્તકની ઓઈલ રીફાઈનર કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ઓએનજીસીની પેટાકંપની એમઆરપીએલને રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની મંજૂરી આપી છે. જોકે આમ કરીને ભારતીય કંપનીઓ પશ્ચિમી દેશોએ લાદેલા નિયંત્રણોનો કોઈ પણ રીતે ભંગ કરતી નથી. યૂક્રેન પર આક્રમણ કરવાને પગલે હાલ રશિયા પાસેથી જૂજ દેશ ક્રૂડ તેલ ખરીદે છે. ભારતીય કંપનીઓ રશિયા પાસેથી 60 લાખ બેરલ રશિયન ક્રૂડ તેલ ખરીદશે. ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાતના 85 ટકા તેલની દુનિયાના દેશોમાંથી આયાત કરે છે. જોકે આમાં રશિયા માત્ર બે ટકાનો જ હિસ્સો ધરાવે છે.