વોશિંગ્ટનઃ અમેરિકાની ચાર દિવસની સત્તાવાર યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અહીં અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત મહિલા ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા હતા અને એમને ભારતની મુલાકાતે આવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. બંને નેતાએ દ્વિપક્ષીય બેઠક કરી હતી અને વડા પ્રધાન મોદીની એ વાતે હેરિસ સહમત થયાં હતાં કે સરહદ પારથી ભારત ઉપર ત્રાસવાદી હુમલાઓ કરવામાં આવે છે અને ભારત અનેક દાયકાઓથી ત્રાસવાદનું ભોગ બની રહ્યું છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ બાદમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કમલા હેરિસ એ વાતે પણ સહમત થયાં હતાં કે પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયામાં આતંકવાદી સંગઠનો હજી સક્રિય છે. આવા ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાનના ટેકા પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. હેરિસે પાકિસ્તાનને કહ્યું છે કે તે ત્રાસવાદી સંગઠનો સામે પગલાં લે જેથી ભારત તથા અમેરિકાની સલામતીને માઠી અસર ન પડે. બંને નેતાએ દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાવાઈરસ રોગચાળા અને આબોહવા પરિવર્તનની સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી.
મોદી અને હેરિસે બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન પણ કર્યું હતું.
દ્વિપક્ષીય બેઠક બાદ મોદીએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, ઉપપ્રમુખ કમલા હેરિસને મળીને આનંદ થયો. એમની અદ્દભુત કામગીરી સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક બની છે. અમે બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી જેનાથી ભારત-અમેરિકાની ભાગીદારી વધારે મજબૂત બનશે.