ઇમરાન ખાને ‘કાશ્મીર રાગ’ આલાપ્યોઃ ભારતનો પલટવાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરીથી કાશ્મીરનો જૂનો રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતે રાઇટ ટુ રિપ્લાય હેઠળ જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મંચનો પાકિસ્તાને હંમેશાં દુરુપયોગ કર્યો છે. ભારતે કહ્યું છે છે કે વિશ્વ જાણે છે અને માને છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ટેકો આપે છે અને હથિયારો પૂરાં પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાના છે અને એ સંબોધનમાં તેઓ પાકિસ્તાનને આકરી સલાહ આપવાના છે.

ભારતે પાકિસ્તાનનો ઇતિહાસ વિશ્વ સમક્ષ ખોલી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ કહ્યું હતું કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં શરણ લીધું હતું. આ લોકો આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહે છે. પાકિસ્તાન આતંકવાદીઓનું પાલનપોષણ કરે છે.

તેઓ એ આશાએ તેમનું પાલન કરે છે તેઓ પડોસીઓને નુકસાન પહોંચાડશે. જેથી આ ક્ષેત્ર અને વાસ્તવમાં વિશ્વએ તેની નીતિઓને કારણે નુકસાન ભોગવવું પડે છે. તેઓ દેશમાં સાંપ્રદાયિક હિંસાને આતંકનાં કૃત્યો રૂપે છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે. દુબેએ કહ્યું હતું કે UNના સભ્ય દેશો જાણે છે કે પાકિસ્તાનનો આતંકવાદીઓને સમર્થન, શરણ અને સંરક્ષણ દેવાનો લાંબો ઇતિહાસ છે. એક એવો દેશ જે વિશ્વમાં આતંકવાદીઓને ટ્રેનિંગ, ફન્ડિંગ અને હથિયાર દેવા માટે જાણીતો છે.