લંડનઃ ઇંગ્લેન્ડમાં હાલમાં આવેલા ભારે બર્ફિલા તોફાનમાં સૌથી ઊંચાઈવાળા પબમાં ફસાયેલા ત્રણ ડઝન લોકો હવે ત્રણ રાત પછી એ પબમાંથી નીકળી શક્યા હતા. યોર્કશાયર ડેલ્સના ટેન હિલ ઇનમાં મોજમસ્તી અને પીવા માટે રોકાયેલા કેટલાક પ્રવાસીઓ બેન્ડના સારા પર્ફોર્મન્સને લીધે રોકાઈ ગયા હતા, પણ તેઓ જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે બરફનું તોફાન શરૂ થયું હતું. જેથી તેમણે પબમાં આશરો લેવો પડ્યો હતો. આ પબ સમુદ્રની સપાટીથી 1732 ફૂટ (528 મીટર)ની ઊંચાઈએ સ્થિત છે, જેમાં કમસે કમ 61 લોકોએ મજબૂરીથી રોકાઈ જવું પડ્યું હતું.
લંડનથી 435 કિલોમીટર ઉત્તરમાં સ્થિત ટેન હિલ ઇન ખરાબ હવામાનને લીધે અન્ય વિસ્તારોથી કપાઈ જવા માટે જાણીતું છે. આ પબમાં કર્મચારીઓએ પસાયેલા મહેમાનો માટે ફિલ્મો, એક ક્વિઝ નાઇટ અને કરોકેનું આયોજન કર્યું હતું.આ પબમાં ફસાયેલા લોકોનું એક ઓએસિસ કવર બેન્ડ, નોઆસિસ દ્વારા પણ શુક્રવારે રાત્રે મનોરંજન કરવામાં આવ્યું હતું., આ પબમાં ફસાયેલા લોકોએ એકજુટ મળીને મિત્રતા વધારી હતી અને એક મોટા પરિવારની જેમ તેઓ હળીમળીને રહ્યા હતા, એમ મેનેજર નિકોલા ટાઉનસેન્ડે જણાવ્યું હતું. આ એટલું અચાનક બધું થયું હતું, જેમાં એક મહિલા આ બધું છોડીને જવા તૈયાર નહોતી, પણ છેલ્લે તોફાન શાંત પડતાં બધા લોકોને પબમાંથી નીકળી જવામાં સફળતા મળી હતી.