ચીની કંપનીઓ દ્વારા POKમાં બાંધવામાં આવતા ડેમ સામે લોકોનું વિરોધ-પ્રદર્શન

નવી દિલ્હીઃ ચીની કંપનીઓ સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચીની કંપનીઓ દ્વારા નીલમ અને ઝેલમ નદી બનાવવા આવતા ડેમને લઈને સતત વિરોધ પ્રદર્શન જારી છે. ગઈ કાલે રાત્રે પણ મુઝફ્ફાબાદમાં દેખાવો થયા હતા. લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને અહીં દેખાવોમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનોની સાથે સ્થાનિક લોકો દ્વારા અહીં ટોર્ચ રેલી પણ કાઢવામાં આવી હતી.

‘નીલમ-ઝેલમ વહેવા દો, અમને જીવતા રહેવા દો’

POKમાં લોકો રસ્તા પર ઊતરીને જુલૂસ કાઢ્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ‘નીલમ-ઝેલમ વહેવા દો, અમને જીવતા રહેવા દો’ નો સૂત્રોચ્ચાર કર્યો હતો.

ડેમ બાંધવાથી લોકોને અનેક મુશ્કેલીઓ

પાકિસ્તાનમાં નીલમ-ઝેલમ નદી પર એક મોટો ડેમ બાંધવામાં આવી રહી છે. આ ડેમ બાંધવાની કામગીરી ચીની કંપનીઓ કરી રહી છે. આ ડેમને કારણે મુઝફ્ફરાબાદ અને એની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી વહેતી નદીઓ નીલમ અને ઝેલમ નદીઓ ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે. અહીંના લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું.

કુદરતી સંસાધનોને નષ્ટ

મુઝફ્ફરાબાદના લોકોએ પાકિસ્તાન સરકારની સામે આયોજિત વિરોધ-પ્રદર્શનમાં મશાલ રેલી કાઢી હતી. આ પહેલાં POKના એક સામાજિક કાર્યકર્તા ડો. અમજદ મિરઝાએ કહ્યું હતું કે પાકિસ્તાનની ઇમરાન સરકાર CPECની આડમાં કુદરતી સંસાધનોને નષ્ટ કરી રહી છે. મુઝફ્ફરાબાદના લોકોનું કહેવું છે કે આ ડેમ વિશે તેમને કોઈ માહિતી નથી. તેમને આ વિશે જણાવવામાં પણ નથી આવ્યું કે ના તો પૂછવામાં આવ્યું.

સમજૂતી પર હસ્તાક્ષર

હાલમાં ચીન અને પાકિસ્તાને POKમાં આઝાદ પટ્ટન અને કોહાલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણ માટે સમજૂતી હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ 700.7 મેગાવોટ વીજળીની આઝાદ પટ્ટન હાઇડલ પાવર પ્રોજેક્ટ પર છઠ્ઠી જુલાઈ, 2020એ હસ્તાક્ષર કર્યા હતા. આ 1.54 અબજ ડોલરનો પ્રોજેક્ટ ચીનની જિયોઝાબા ગ્રુપની કંપની દ્વારા પૂરો કરવામાં આવશે. કોહલા-હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઝેલમ નદી પર બનાવવામાં આવશે.