ભારત JEE, NEET રાષ્ટ્રીય પરીક્ષાઓ મોકૂફ રાખેઃ ગ્રેટા થનબર્ગ

સ્ટોકહોમઃ પર્યાવરણ રક્ષણનાં જાગતિક હિમાયતી અને સ્વીડિશ કિશોરી ગ્રેટા થનબર્ગે ભારતમાં IIT અને મેડિકલ પ્રવેશ માટેની JEE અને NEET પરીક્ષાઓ હાલના કોરોના સંકટમાં યોજવાનું મોકૂફ રાખવાની ભારતમાં થઈ રહેલી માગણીને સમર્થન આપ્યું છે.

થનબર્ગે કહ્યું છે કે ભારતમાં ‘જેઈઈ’ અને ‘નીટ’ પરીક્ષાઓ લેવામાં આવે એ બહુ અનુચિત છે, કારણ કે કોરોના વાઈરસ મહામારીના સંકટ સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની ફરજ પાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ડીએમકે પાર્ટીના પ્રમુખ એમ.કે. સ્ટાલીન સહિત અનેક રાજકીય નેતાઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે જ્યાં સુધી કોરોના વાઈરસનો ફેલાવો નિયંત્રણમાં આવી ન જાય ત્યાં સુધી આ બંને પરીક્ષા સ્થગિત કરી દેવી જોઈએ.

ગ્રેટા થનબર્ગે ભારતમાં થઈ રહેલી માગણીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે આ બહુ ખોટું થઈ રહ્યું છે. હું કોવિડ-19ના સમયમાં જેઈઈ, નીટ રાષ્ટ્રીય પરીક્ષોને મોકૂફ રાખવાની માગણીને સમર્થન કરું છું.