નાદુરસ્ત તબિયતને કારણે એબેએ જાપાનના PMપદેથી રાજીનામું આપ્યું

ટોકિયોઃ જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે જાહેરાત કરી છે કે પોતે નાદુરસ્ત તબિયતને કારણે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. એમની આ જાહેરાત સાથે વિશ્વના આ ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રવાળા દેશમાં નેતૃત્ત્વ મુદ્દે હરીફાઈ શરૂ થઈ ગઈ છે.

એબેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મેં વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મને અલ્સરેટિવ કોલાઈટીસની તકલીફ ફરી ઊભી થઈ છે.

એબેએ એમ પણ કહ્યું કે પોતે હાલ આ તકલીફ માટે નવી સારવાર લઈ રહ્યા છે. ‘એ સારવાર મારે નિયમિત રીતે કરાવવી પડશે જેને કારણે મને વડા પ્રધાન તરીકે મારી ફરજ અદા કરવા માટે પૂરતો સમય નહીં મળે એટલે મેં રાજીનામું આપ્યું છે,’ એમ તેમણે કહ્યું.

એબેએ વધુમાં કહ્યું કે હું જનતાનો વિશ્વાસ જીતવા માટે ફરીથી ચૂંટણી લડવા સમર્થ નથી. એટલે મેં વડા પ્રધાન પદે ચાલુ ન રહેવાનો નિર્ણય લીધો છે.

એબેની શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અનુગામીની પસંદ કરે ત્યાં સુધી એબે વડા પ્રધાન પદે ચાલુ રહેશે.

અનુગામીની પસંદગી માટે શાસક પક્ષના સંસદસભ્યો તથા સભ્યો ચૂંટણીમાં મતદાન કરે એવી ધારણા છે.

એબેના અનુગામીની પસંદગી માટે હજી કોઈ સર્વસંમત્તિ સધાઈ નથી, પરંતુ નાણાં પ્રધાન તારો અસો અને ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીહીદ સુગા સંભવિત ઉમેદવાર ગણાય છે.

2007માં, એબેએ એમની પહેલી મુદતમાં માત્ર એક જ વર્ષ શાસન કરીને વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. આ વખતે બીજી વાર રાજીનામું આપવા બદલ એમણે માફી માગી છે.