રાષ્ટ્રપતિપદ માટે કમલા હેરિસ કરતાં ઇવાન્કા ટ્રમ્પ વધુ સારાં : ટ્રમ્પ

ન્યુ હેમ્પશાયરઃ અમેરિકામાં ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ફરી એક વાર ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેમનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડનથી થશે. ડેમોક્રેટિક તરફથી ઉપ-રાષ્ટ્રપતિપદ માટે ભારતીય મૂળનાં કમલા હેરિસ ચૂંટણી મેદાનમાં છે. ટ્રમ્પે હેરિસ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ બનવા માટે સક્ષમ નથી.

ન્યુ હેમ્પશાયરમાં આયોજિત કેમ્પેન રેલીમાં સમર્થકોથી સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિને જોવાનું વધુ પસંદ કરશે, પણ તેમણે સૂચન કર્યું હતું કે તેમની પુત્રી અને વ્હાઇટ હાઉસની વરિષ્ઠ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ આ પ્રકારની ભૂમિકા માટે સારી ઉમેદવાર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તમે જાણો છો કે હું પણ પહેલી મહિલા રાષ્ટ્રપતિ જોવા ઉત્સુક છું, પણ કોઈ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ સક્ષમ નથી. તેના કરતાં ઇવાન્કા ટ્રમ્પ વધુ સારાં ઉમેદવાર છે. જેથી ટ્રમ્પના કેટલાક સમર્થકો  ઇવાન્કા ટ્રમ્પના નામનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ લોકો કહી રહ્યા છે કે અમને ઇવાન્કા જોઈએ. હું તેમને જવાબદાર નથી ઠેરવતો, એમ ટ્રમ્પે કહ્યુ હતું.

કમલા હેરિસ ભારતીય મૂળનાં

55 વર્ષી કમલા હેરિસ પાછલા વર્ષ સુધી રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં હતાં, પણ જનતાની વચ્ચે સમર્થનમાં ઘટાડાને કારણે તેઓ આ રેસમાંથી બહાર થયાં હતાં. ત્યાર બાદ તેઓ ચર્ચામાં ત્યારે આવ્યાં, જ્યારે જો બાઇડને ઉપ-રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે તેમનું સમર્થન કર્યું હતું. કમલા હેરિસના પિતા જમૈકન અને માતા ભારતીય મૂળનાં છે. તેઓ પહેલા ભારતીય-અમેરિકી અને અશ્વેત મહિલા છે, જે આ પદ પર ઉમેદવારી માટે નોમિનેટ થયાં હતાં.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]