બ્રિટનમાં મહાત્મા ગાંધીનાં ચશ્માં 2.55 કરોડ રૂપિયામાં લિલામ થયાં

બ્રિસ્ટલઃ બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55 કરોડ રૂપિયામાં અમેરિકાના એક કલેક્ટરે ખરીદ્યા હતા. મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરતી એજન્સીનો દાવો છે કે બાપુએ 1900ના દસકામાં આ ચશ્માં એક વ્યક્તિને ભેટમાં આપ્યાં હતાં.

બાપુના કાકાએ ચશ્માં આપ્યાં હતાં

કેટલાક જાણકારોનું કહેવું છે કે આ ચશ્માં બાપુને 1910ની આસપાસ તેમના કાકાએ આપ્યાં હતાં. બાપુ એ વખતે દક્ષિણ આફ્રિકામાં કામ કરી રહ્યા હતા. એ ચશ્માંના માલિક બ્રિસ્ટલના મેનગોટ્સફીલ્ડનું કહેવું છે કે આ લિલામીથી મળેલાં નાણાંને તેઓ પોતાની પુત્રીને આપશે.

બાપુના ચશ્માંને લિલામ કરવાવાળી એજન્સીએ જણાવ્યું હતું કે એ ચશ્માં તેમના પોસ્ટબોક્સમાંથી મળ્યાં હતાં. તેઓ આ વાતે આશ્ચર્યચકિત છે કે જે ચશ્માં તેમના પોસ્ટબોક્સમાં એક કવરની અંદરમાંથી મળ્યાં હતાં. તેની પાછળ એક શાનદાર ઇતિહાસ હોઈ શકે છે.

આ ચશ્માં આપનાર શખસે કહ્યું હતું કે આ ચશ્માં બહુ કીમતી ના હોય તો એને નષ્ટ કરી દેજો, પરંતુ જ્યારે અમે તેને આ ચશ્માંની કિંમત જણાવી ત્યારે તેને મોટું આશ્ચર્ય થયું. હવે તે લિલામીમાંથી મળનારાં નાણાં પોતાની પુત્રીને સાથે વહેંચશે.