પાકિસ્તાનઃ હિંસાખોરીને રોકવા પંજાબ પ્રાંતમાં લશ્કર તહેનાત કરાયું

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરાયા બાદ એમના સમર્થકો અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે દેશમાં અનેક સ્થળે મોટા પાયે હિંસક અથડામણો ફાટી નીકળી છે. રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં તો લશ્કરના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા જ છે, પણ હવે પંજાબ પ્રાંતને પણ લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યું છે. પંજાબના લાહોર તથા બીજા અનેક શહેરોમાં પરિસ્થિતિ તંગ છે.

પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનના વડપણ હેઠળની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકોએ ઓછામાં ઓછા 14 સરકારી મકાનો અને મથકોને આગ ચાંપી હતી. સુરક્ષા દળોએ પીટીઆઈના 1,150 સમર્થકોની ધરપકડ કરી છે. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં પણ ગઈ કાલે લશ્કર ગોઠવી દેવામાં આવ્યું છે.