નવી દિલ્હીઃ ફ્રાંસમાં હાલમાં 10 વર્ષ સુધીમાં 50 લોકોથી પત્ની પર બળાત્કાર કરાવવાવાળા પતિને 20 વર્ષની જેલની સંભળાવવામાં આવી હતી. બીજી બાજુ, નાઇજિરિયામાં એક શખસને મરઘી અને ઈંડાં ચોરવા પર મોતની સજા સંભળાવવામાં આવી હતી. જોકે 10 વર્ષની સજા કાપ્યા પછી ગુનેગારના પરિવારને હવે સજામાફીની માગ કરી રહ્યો છે.
આ ઘટના નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઓસુન રાજ્યની છે. સેગુન ઓલોવુકેરે નામના વ્યક્તિએ 2010માં આ ગુનો કર્યો હતો. આ 17 વર્ષના યુવકે તેના મિત્ર મોરાકિન્યો સન્ડે સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ બંનેએ જૂના જમાનાની લાકડાની બંદૂક અને તલવાર વડે પોલીસ અધિકારી અને અન્ય એક વ્યક્તિના ઘર પર હુમલો કર્યો હતો. તેનો ઈરાદો કોઈ મોટો ગુનો કરવાનો હતો, પરંતુ તેઓ માત્ર મરઘી ચોરવામાં જ સફળ થયા હતા. આ કેસમાં 2014માં ઓસુન હાઈકોર્ટના જજ જીદે ફાલોલાએ બંનેને પોલીસ અધિકારીના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેમનો સામાન ચોરવાનો દોષી ઠેરવ્યા પછી મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
એ સમયે નાઈજિરિયામાં આ બાબતને લઈને ભારે આક્રોશ વ્યાપ્યો હતો. લોકો માનતા હતા કે આ સજા ઘણી કઠોર છે. ત્યાર પછી બંનેને લાગોસ રાજ્યની કુખ્યાત કિરીકિરી જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત્યુદંડની કોટડીમાં રાખવામાં આવ્યા હતા. ઓલોવુકેરેના માતા-પિતા તાજેતરમાં એક પોડકાસ્ટ પર દેખાયા, જ્યાં તેઓ બંનેએ તેમના એકમાત્ર પુત્રને માફ કરવા માટે વિનંતી કરી હતી.
હવે ગવર્નરે તેને માફ કરવાનું વચન આપ્યું હતું. ગવર્નર એડેમોલા એડેલેકે ટ્વિટર પર લખ્યું કે ઓલોવુકેરેને માફી આપવી જોઈએ, કારણ કે જીવન બચાવવું મહત્વપૂર્ણ છે. મેં ન્યાય કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ યુવાનને દયાનો વિશેષાધિકાર આપવા માટેની પ્રક્રિયા શરૂ કરે.