નેધરલેન્ડ્સમાં કડક નાતાલ લોકડાઉન લાગુ

ધ હેગઃ નેધરલેન્ડ્સમાં કોરોનાવાઈરસ-ઓમિક્રોનના કેસ વધી જતાં સરકારે નાતાલ તહેવારને ધ્યાનમાં લઈને કડક લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉનનો અમલ આજે રવિવારથી શરૂ કરાશે અને તે ઓછામાં ઓછું 14 જાન્યુઆરી સુધી રખાશે. સમગ્ર યુરોપમાં ઓમિક્રોનના કેસોની સતત વધી રહેલી સંખ્યાએ ચિંતા ફેલાવી છે. યુરોપીયન યુનિયનનાં વડાં ઉર્સુલા વોન ડેર લીયને ચેતવણી ઉચ્ચારી છે કે જાન્યુઆરીના મધ્યભાગ સુધીમાં યુરોપમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી સંભાવના છે.

નેધરલેન્ડ્સના વડા પ્રધાન માર્ક રુટે ગઈ કાલે જાહેરાત કરી હતી કે દેશમાં 14 જાન્યુઆરી સુધી તમામ બિન-ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનો, સાંસ્કૃતિક અને મનોરંજન સ્થળો બંધ રહેશે. શાળાઓને 9 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. સરકારે દેશની જનતાને એવી પણ તાકીદ કરી છે કે તેમણે એમનાં ઘરમાં મહેમાનોને આમંત્રિત કરવામાં સંખ્યા મર્યાદિત રાખવી. માત્ર નાતાલ તહેવારના દિવસે જ એમાં છૂટ રહેશે.