રશિયાની ‘કોરોના રસી’ વિશે અનેક દેશોની શંકાનું કારણ કયું?

મોસ્કોઃ કોરોના વાઇરસને ખતમ કરવા માટે રશિયાએ બનાવેલી વેક્સિન પર હાલ અનેક દેશો સવાલ કરી રહ્યા છે. એનો વિરોધ કરનારા દેશોમાં અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જર્મની અને કેનેડા સામેલ છે. આ બધા દેશો મેડિકલ કારણોનો હવાલો આપીને કહી રહ્યા છે કે આ વેક્સિને ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી નથી કરી. આવામાં એનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે. તેમનું એ પણ કહેવું છે કે કોરોના વાઇસ અત્યાર સુધી આશરે સાડાસાત લાખ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. વિશ્વના અનેક દેશો આ રોગચાળાની દવા શોધવામાં વ્યસ્ત છે અને કેટલાક દેશોમાં એની ટ્રાયલ પણ ચાલી રહી છે. જેથી એ ટ્રાયલના તબક્કા પૂરા થશે એ પછી જે વેક્સિન સામે આવશે, એ વિશ્વાસપાત્ર હશે અને લોકોના જીવ બચાવી શકશે.

દવા અથવા વેક્સિનની તબક્કાવાર ટ્રાયલ

કોઈ પણ દવા અથવા વેક્સિનને બજારમાં ઉતારતાં પહેલાં એને તબક્કાવાર રીતે ટ્રાયલ કરવામાં આવે છે. આ ટ્રાયલ પ્રી-ક્લિનિકલ અને ક્લિનિકલ હોય છે. આ પ્રારંભમાં ઉંદરો અથવા અન્ય પ્રાણીઓ પર એનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જે ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવે છે, એ મહત્ત્વની હોય છે, એને ત્રીજા તબક્કાની ટ્રાયલ કહેવામાં આવે છે. આના પરિણામ મહદંશે સાચા હોય છે. સામાન્ય રીતે ત્રીજા તબક્કામાં દવા અથવા વેક્સિનની ટ્રાયલ 1000થી 3000 લોકો પર કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ભાગ લેતા લોકો અલગ-અલગ-ઉંમર, આદતો અને મેડિકલ હિસ્ટ્રીવાળા હોય છે. આમાં જે લોકો ભાગ લે છે, તેમનું નિયમિત ચેકઅપ કરીને દવા આપવામાં આવે છે. તેમનો દવા આપ્યા પછી દૈનિક ધોરણે તેમના ટેસ્ટ કરવામાં આવે છે અને પછી એ દવા આપવામાં આવે છે.

ત્રીજા તબક્કામાં દવા કે વેક્સિન પાસ તો ચોથો તબક્કો

જો ત્રીજા તબક્કાના ટ્રાયલમાં દવા અથવા વેક્સિન પાસ થઈ જાય તો એનો ચોથો તબક્કો શરૂ થાય છે, જેમાં દવા હજારો લોકો પર ટેસ્ટ કરવામાં આવે છે અને એનાથી મળેલા આંકડાઓનું વ્યાપક સ્તરે વિશ્લેષણ કરવામાં આવે છે. આ દરમ્યાન આનાથી થતી સાઇડ ઇફેક્ટ અને ડોક્ટરથી વિચાર-વિમર્શની વાત પણ સામે આવે છે. ચોથા તબક્કાનાં પરિણામો પછી કોઈ પણ દવા કે વેક્સિન અથવા ઇન્જેક્શનને બજારમાં ઉતારવાની મંજૂરી મળે છે.

કોરોના રોગચાળાની દવાનું નામ ‘સ્પુતનિક 5’

આને કારણે રશિયાની દવાની સાથે જે રીતના સવાલ કેટલાક દેશો ઊભા કરી રહ્યા છે એને નજરઅંદાજ કરવા કોઈ પણ દેશ માટે સરળ નથી. રશિયાએ કોરોના રોગચાળાથી બચવા જે દવા બનાવી છે એનું નામ ‘સ્પુતનિક 5’ (Sputnik V) આપ્યું છે. એનું નામ વિશ્વના પહેલા રશિયન ઉપગ્રહ પર રાખવામાં આવ્યું છે. આ દવાને મોસ્કોની ગામલ્યા ઇન્સ્ટિટ્યૂટે દેશના સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તૈયાર કરી છે.  

WHOએ પણ માગ્યા પુરાવા

રશિયાની વેક્સિન પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ માહિતી માગી છે. WHOનું કહેવું છે કે આ વેક્સિન મામલે જરૂરી માહિતી પૂરી પાડવામાં નથી આવી. સંસ્થાએ રશિયાની સરકાર વિશે તમામ રિસર્ચને જારી કરવા કહ્યું છે. આ ઉપરાંત WHOએ કહ્યું છે કે નિયામકીય મંજૂરી માટે ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરવામાં નથી આવી. એટલા માટે એનું ઉત્પાદન ન થવું જોઈએ. જોકે એ વેક્સિનના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ થઈ ચૂકી છે, પણ એ બહુ ઓછા સમયમાં પૂરી કરવામાં આવી છે.