રોમઃ કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાયાના એક વર્ષ બાદ ઈટાલીમાં ઉત્તરના ઘણા ખરા ભાગોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રોગચાળાના કેસો વધી જતાં ફેલાવો રોકવા માટે ફરી લોકડાઉન લાગુ કરાયું છે. તમામ અનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને બંધ કરી દેવામાં આવી છે અને લોકોની અવરજવર ઘટી ગઈ છે. લોકડાઉન નિયમો એપ્રિલના આરંભ સુધી અમલમાં રહેશે.
પહેલું લોકડાઉન 2020ના માર્ચમાં નાખવામાં આવ્યું હતું. આ વખતના લોકડાઉન નિયમો વિશે લોકોમાં જુદી લાગણી છે. એન્ડ્રીઆ બેડોરીન નામની એક કમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટે કહ્યું કે ગયા વર્ષે તો અમને બધાયને લોકડાઉનથી આઘાત લાગ્યો હતો અને ડરી ગયા હતા. શું ચાલી રહ્યું છે એની અમને સમજ જ નહોતી પડી. પરંતુ આ વખતે અમને ખબર છે. અમે માસ્ક સાથે સજ્જ છીએ.