ઇઝરાયેલની ગાઝાપટ્ટી પર ઘેરાવબંધીઃ વીજ સપ્લાય બંધ

યેરુસલેમઃ ઇઝરાયલમાં પેલેસ્ટાઇનના હમાસ ગ્રુપના હુમલામાં 1000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 2100થી વધુ ઘાયલ થયા છે. હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલના નાગરિકો, સૈનિક અને વિદેશી નાગરિકોનું અપહરણ કરી લીધું હતું. તેમને બંધક બનાવીને સુરંગમાં રાખ્યા હતા. આ પહેલાં હમાસે ઇઝરાયેલ પર 20 મિનિટમાં 5000 રોકેટ વડે હુમલો કર્યો હતો.  

આ યુદ્ધમાં અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાયતાનું એલાન કર્યું છે. અમેરિકાએ એક યુદ્ધ સબમરિન ઇઝરાયેલની બોર્ડર પર તહેનાત કરી છે. ગાઝાપટ્ટી પર ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલે ગાળાપટ્ટીનો ઘેરાવ કરવાનો આદેશ કર્યો છે. વીજળી ભોજન અને પાણી સહિતની ચીજવસ્તુનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.

ઇઝરાયેલે 48 કલાકમાં ત્રણ લાખ સૈનિકો ગાઝા બોર્ડર પર તહેનાત કર્યા છે. મૂતદેહો એકઠા કરનારા સંગઠનના જણાવ્યાનુસાર ગાઝાની નજીક કિબુત્ઝ રીમ પાસે એક મ્યુઝિક શોમાં હમાસના હુમલાખોએ અંદાજિત 250 લોકોની હત્યા કરી છે. આ મૃતકોમાં યુવા ઇઝરાયેલી અને વિદેશી નાગરિકો સામેલ છે.

બીજી બાજુ, હમાસની સેના અને શાસન ક્ષમતાને નષ્ટ કરવાનું વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ એલાન કર્યું છે. ઇઝરાયેલની સેનાએ ગાઝાપટ્ટી પર હવાઈ હુમલા તેજ કરી દીધા છે. ગાઝા સરહદે છ જગ્યાએ હમાસની સાથે ભીષણ જંગ જારી છે. ઇઝરાયેલી ફોર્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ 70 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંય શહેરોમાં હજી પણ આતંકવાદીઓ દેખાઈ રહ્યા છે.