કલમ 370 બાદનું કશ્મીરઃ અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર બર્ની સેન્ડર્સ મોદી સરકારની વિરુદ્ધમાં

વોશિંગ્ટન – અમેરિકામાં પ્રમુખપદની હવે પછીની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે બર્ની સેન્ડર્સ. એમણે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી બંધારણીય કલમને રદ કરવાના નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. સેન્ડર્સે કહ્યું છે કે કશ્મીરમાંની પરિસ્થિતિ વિશે પોતે ખૂબ જ ચિંતિત છે, ભારત સરકારનું પગલું એમને સ્વીકાર્ય નથી.

સેન્ડર્સે અમેરિકન સરકારને કહ્યું છે કે તે આ મામલો ઉકેલવામાં સંયુક્ત રાષ્ટ્રના સમર્થનવાળા શાંતિપૂર્ણ ઠરાવને જાહેરમાં ટેકો આપે.

બર્ની સેન્ડર્સ વર્મોન્ટના સેનેટર છે. એમણે ગયા શનિવારે ઈસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સંસ્થાના વાર્ષિક સંમેલનમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવામાં આવે એ અમેરિકી સરકારે જોવું જ જોઈએ અને યુનાઈટેડ નેશન્સ મારફત હાથ ધરાયેલા શાંતિપૂર્ણ ઠરાવ માટે જાહેરમાં બોલવું જ જોઈએ.

કશ્મીરમાં સંદેશવ્યવહારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારત સરકાર તાત્કાલિક બદલે એવી બર્ની સેન્ડર્સે હાકલ કરી છે અને કહ્યું કે કશ્મીરમાંની પરિસ્થિતિ વિશે, સલામતીના નામે કશ્મીરમાં જે રીતે સપાટો બોલાવવામાં આવ્યો છે એનાથી અને કશ્મીરી લોકોને તબીબી સારવારથી જે રીતે વંચિત રાખવામાં આવે છે એનાથી પોતે ખૂબ ચિંતિત છે.

ભારતનું પગલું મને જરાય સ્વીકાર્ય નથી, એમ પણ તેમણે કહ્યું.

કશ્મીર મામલે કોઈ પણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કોઈ પણ પ્રકારના અવકાશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે કશ્મીર મામલો ભારત અને પાકિસ્તાનનો આપસનો છે.

મોદીએ આ બાબતની ચોખવટ હાલમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં પણ કરી દીધી હતી. બંને નેતા ફ્રાન્સના બિયારિત્ઝમાં જી-7 શિખર સંમેલન વખતે મળ્યા હતા ત્યારે જમ્મુ-કશ્મીરનો મુદ્દો ઉપસ્થિત થયો હતો ત્યારે મોદીએ ભારત વતી સ્પષ્ટતા કરી દીધી હતી.

તે છતાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા ગુરુવારે કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરમાંની પરિસ્થિતિ પર તે ચાંપતી દેખરેખ રાખી રહ્યું છે અને ભારત તથા પાકિસ્તાને એમની વચ્ચેના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ.