‘કૂલી નં. 1’ ફિલ્મનો સેટ કરાયો પ્લાસ્ટિક-મુક્ત; પીએમ મોદીની અપીલને પ્રતિસાદ

મુંબઈ – આગામી નવી હિન્દી ફિલ્મ ‘કૂલી નં. 1’ના સેટને પ્લાસ્ટિક-મુક્ત કરવામાં આવ્યો છે. આ જાણકારી ફિલ્મના અભિનેતા વરુણ ધવને સોશિયલ મિડિયા પર કરી છે અને આનું અનુસરણ કરવાની એણે લોકોને અપીલ પણ કરી છે.

વરુણે આજે ટ્વીટ કર્યું છે અને એમાં ‘કૂલી નં. 1’નાં નિર્માતા ભાઈ-બહેન – જેકી ભગનાની તથા દીપશીખા ભગનાની-દેશમુખનો આભાર માનતાં લખ્યું છે કે, ‘ફિલ્મના સેટને પ્લાસ્ટિક-ફ્રી બનાવવા બદલ આપનો આભાર. હું મારા પ્રશંસકોને પણ આનું અનુસરણ કરવાની અપીલ કરું છું.’

નિર્માતાઓએ ફિલ્મના સેટ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિકની પાણીની બોટલનો વપરાશ બંધ કરી દીધો છે અને આ ફિલ્મનાં કલાકારો તથા યુનિટના સભ્યોને પ્રત્યેકને, એમના નામ લખેલી ખાસ પ્લાસ્ટિક-ફ્રી સિપર્સ (બોટલ) પૂરી પાડી છે.

દીપશીખા દેશમુખ, વરુણ, સારા, ડેવિડ ધવન તથા યુનિટના તમામ સભ્યોએ એ બોટલ હાથમાં પકડીને સમૂહ તસવીર પડાવી છે, જેને વરુણે તેના ટ્વિટર હેન્ડલ પર શેર પણ કરી છે.

‘કૂલી નં. 1’, જે 1995માં આવેલી ગોવિંદા-કરિશ્મા કપૂર અભિનીત આ જ ટાઈટલવાળી ફિલ્મની રીમેક છે, એમાં વરુણની હિરોઈન બની છે સારા અલી ખાન.

1995ની ‘કૂલી નં. 1’ના દિગ્દર્શક વરુણના પિતા ડેવીડ ધવન હતા અને રીમેક ‘કૂલી નં. 1’નું દિગ્દર્શન પણ એ જ કરી રહ્યા છે. આ ફિલ્મ 2020ની 1 મેએ રિલીઝ કરવાની નિર્માતાઓની ધારણા છે.

‘કૂલી નં. 1’નું નિર્માણ પૂજા એન્ટરટેનમેન્ટ કંપની કરી રહી છે જે ભગનાની પરિવારની માલિકીની છે. આ જ કંપની 1995ની ‘કૂલી નં. 1’ ફિલ્મની પણ નિર્માતા હતી. નિર્માતા તરીકે એ તેની પહેલી જ ફિલ્મ હતી. ત્યારબાદ એણે બે ડઝનથી પણ વધારે ફિલ્મો બનાવી છે જેમાં ‘હીરો નં.1’, ‘બીવી નં.1’, ‘હિંમતવાલા’, ‘સરબજીત’, ‘જવાની જાનેમન’નો સમાવેશ થાય છે.