ચીનમાં સિંગલ યુવક-યુવતીઓને ‘લવ કનેક્શન’ કરાવી આપે છે ‘લવ ટ્રેન’

દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ એટલે ચીન. વસ્તી વિસ્ફોટની સમસ્યા સામે તો એ ઝઝૂમી જ રહ્યો છે, પણ એક અન્ય મુસીબતથી પણ એ પરેશાન છે. અહીં એકલા જિંદગી જીવતા યુવાન વયના સ્ત્રી-પુરુષોની સંખ્યા પણ બહુ મોટી છે. કહેવાય છે કે ચીનમાં 20 કરોડ એવા યુવા લોકો છે જેઓ એકલા જ જિંદગી જીવે છે.

આવા લોકોને એમને મનપસંદ પ્રેમી-પ્રેમિકા કે હમસફર-જીવનસાથી શોધી આપવાનું બીડું ચીનની સરકારે ઝડપ્યું છે, એક નવતર પ્રયોગ દ્વારા.

ચીને એક ટ્રેન શરૂ કરી છે જેનું નામ રાખ્યું છે ‘Y999’. આને ‘લવ-ટ્રેન’ પણ કહે છે. આ ટ્રેન અને એની સફર સિંગલ યુવક-યુવતીઓ એકબીજાનાં પ્રેમમાં પડે એવા ખાસ હેતુથી જ તૈયાર કરવામાં આવી છે.

આ ટ્રેનમાં એવા 1000 યુવા સ્ત્રી-પુરુષોને એક રાત માટે સફર પર મોકલવામાં આવે છે જેઓ જિંદગી એકલાં જ જીવી રહ્યાં છે.

સિંગલ રહીને જીવન વિતાવી રહેલાં ઘણા યુવક-યુવતીઓને યોગ્ય જોડીદાર શોધવામાં તકલીફ પડતી હોય છે એવું ચીનની સરકારને માલુમ પડ્યું છે. એમાંને એમાં આવા યુવાઓની જિંદગીના કિંમતી દિવસો એક પછી એક પસાર થયા કરે છે અને એમાંથી વીતી જાય છે મહિનાઓ અને વર્ષો. હવે આવા લોકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું છે ચીનના શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની યુવા પાંખે.

આવા સિંગલ સ્ત્રી-પુરુષોને એમનો પ્યાર શોધી કાઢવામાં ચીનની સરકારે અસામાન્ય રીતે હસ્તક્ષેપ કર્યો છે – લવ ટ્રેન બનાવીને.

આ અનોખી યોજનામાં, સિંગલ સ્ત્રી-પુરુષોને ખાસ ટ્રેનમાં એક રાતની સફર કરાવવામાં આવે છે. આ યોજના ત્રણેક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. હજી સુધી આ ટ્રેને માત્ર ત્રણ જ સફર કરી છે, પરંતુ હજારો લોકોએ એમનો પ્યાર શોધવાના પ્રયાસ માટે આ ટ્રેનમાં સફર કરીને પ્રતિસાદ આપ્યો છે.

આ વર્ષે આ ટ્રેન ગઈ 10 ઓગસ્ટે ચોંકિંગ નોર્થ સ્ટેશનેથી ઉપડી હતી અને એની સફર કિયાનજિયાંગ સ્ટેશને પૂરી થઈ હતી. આ બે-દિવસીય સફર કરાવવાનો હેતુ એમાંના પ્રવાસીઓ એકબીજાને મળી શકે, એકબીજાને વધારે સારી રીતે જાણી શકે, એમનામાં પ્રેમ પાંગરે અને આખરે ‘એકલામાંથી બેકલા થાય’.

સરકારને ચિંતા પેઠી છે કે લગ્ન ન કરીને સિંગલ બનીને જીવતા લોકોનો લગ્નહીન અને સંતાનહીન સમાજની સમસ્યા જો વકરશે તો આગળ જતાં ચીનનું પતન થશે.

સરકારની આ પ્રવૃત્તિ મેચમેકિંગ કરતાં ક્રીએટિવ વધારે ગણાવા લાગી છે. આ ટ્રેન જુદા જુદા સ્થળે રહેતાં લોકોને ભેગાં કરવા અને એકબીજાંને ઓળખવા માટે એક સેતુ જેવું કામ કરે છે. ધારો કે કોઈને સફર દરમિયાન એમને ગમતો પ્યાર મળી ન શકે તો પણ એ ઘણાયને મિત્રો તો બનાવી જ શકે છે.

ચીનની સરકારનો આ અનોખો અભિગમ સફળ થયો છે અને સેંકડો લોકો યુગલ કે દંપતી બનીને જીવન જીવતા થયાં છે.

એવાં ઓછામાં ઓછા 10 યુગલ છે જેઓ આ લવ-ટ્રેનની સફર દરમિયાન એકબીજાંને મળ્યાં અને એ મુલાકાતને પગલે જ આજે પતિ-પત્ની બન્યાં છે.

બોલો, ભારતમાં પણ જો આવી તરકીબ કરવામાં આવે તો સફળ થાય કે નહીં? તમને જો આવો કોઈ ચાન્સ મળે તો તમે સફર કરવાનું પસંદ કરો કે નહીં?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]