રાવલપિંડીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેનાં પત્ની બુશરા બીબીને તોશાખાના મામલે રાવલપિંડીમાં સ્પેશિયલ કોર્ટે આકરી સજાનું એલાન કર્યું છે. કોર્ટે તોશાખાના મામલે દંપતીને 14-14 વર્ષની સજા સંભળાવી છે. સ્પેશિયલ કોર્ટે દંપતી પર રૂ. 1.573 અબજનો દંડ ફટકારતાં ભૂતપૂર્વ વડા પ્રધાનને 10 વર્ષ માટે જાહેર પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે.
વિશેષ કોર્ટે પ્રત્યેક પર રૂ. 78.70 કરોડ અને બંને આરોપીઓ પર સામૂહિક રીતે રૂ. 158.30 અબજનો દંડ ફટકાર્યો છે. કોર્ટનો ચુકાદો સામાન્ય ચૂંટણીના ઠીક આઠ દિવસ પહેલાં આવ્યો છે.
આ મામલામાં સુનાવણી દરમ્યાન ઇમરાન ખાનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જોકે બુશરા બીબી હાજર નહોતાં થયાં. કોર્ટે ખાનને 342 નિવેદનો વિશે સવાલો કર્યા હતા, ત્યારે તેમણે નિવેદનો રૂમમાં છે, એમ કહેતાં જણાવ્યું હતું કે મને માત્ર કોર્ટમાં હાજર થવા માટે બોલાવ્યો હતો.કોર્ટે ખાનને તત્કાળ નિવેદનો જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે કોર્ટનો સમય બરબાદ ના કરો.ખાને કોર્ટમાં કહ્યું હતું કે વકીલ અત્યાર સુધી નથી આવ્યા. હું તેમને બતાવ્યા પછી નિવેદનો સોંપીશ. એટલું કહીને તેઓ કોર્ટની બહાર ચાલ્યા ગયા હતા.
ખાને જજને સંબોધિત કરતાં સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશન નહીં કરવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોતાની સુરક્ષા કરવાનો અમારો અધિકાર ઓછો કરી દેવામાં આવ્યો છે. હું મારો બચાવ કરવામાં સક્ષમ છું. શું મને આજે જ ચુકાદો મળવાની અપેક્ષા છે?