રશિયા-યુક્રેન યુદ્ધ હું બંધ કરાવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

ન્યુ યોર્કઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે બે જ મહિના બચ્યા છે. અમેરિકી નાગરિકો પાંચ નવેમ્બરે મતદાન કરશે. વિશ્વઆખાની આ ચૂંટણી પર નજર રહેશે. એને ધ્યાનમાં રાખતાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પ્રેસિન્ડેન્શિયલ ડિબેટ જારી છે.

આ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ આ યુદ્ધ અટકાવી દેશે. જેથી કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું હતું કે પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.

ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે કહ્યું હતું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો પુતિન યુક્રેનની રાજધાની કીવમાં દેખાતા હોત. પુતિનના દબાણ હેઠળ ટ્રમ્પ ઝૂકી જશે. આ પોલેન્ડથી શરૂ થશે અને પુતિન યુરોપના બાકી ભાગો પર નજર રાખશે.

આ ચર્ચા દરમિયાન ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ જીતે? ત્યારે ટ્રમ્પે કહ્યું કે હું ઈચ્છું છું કે આ યુદ્ધ અટકી જાય. હું સમજું છું કે અમેરિકા માટે સૌથી શ્રેષ્ઠ એ હશે કે આ યુદ્ધ રોકાઈ જાય.

ટ્રમ્પે દાવો કર્યો કે ‘આ યુદ્ધમાં યુરોપને અમેરિકાની તુલનામાં ખૂબ ઓછી કિંમત ચૂકવવી પડી રહી છે. હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બંનેને ખૂબ સારી રીતે જાણું છું.’

આ ડિબેટમાં કમલા હેરિસે એ વાત પર ભાર મૂક્યો કે ટ્રમ્પ ખૂબ ઝડપથી પુતિન સામે ઝૂકી જાય છે. સામે પક્ષે ટ્રમ્પે અમેરિકન પ્રમુખ જો બાઈડનની ટીકા કરતાં તેમને એક ગેરહાજર રાષ્ટ્રાધ્યક્ષ કહ્યા હતા. આ અંગે કમલા હેરિસે વળતો હુમલો કરતાં કહ્યું હતું કે તમે બાઈડન વિરુદ્ધ લડી રહ્યા નથી, તમે મારા વિરુદ્ધ લડી રહ્યા છો.

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પહેલી વખત ડિબેટ થઈ છે, જેમાં આ ચર્ચામાં ઇકોનોમી, ઇમિગ્રેશન પોલિસી, ફોરેન પોલિસી, એબોર્શન, હેલ્થ કેર અને અન્ય વિષયોને ઉઠાવવામાં આવ્યા હતા.