તાલિબાન સાથેની શાંતિ વાર્તા રદ થતાં અમેરિકા પરેશાન

અમેરિકા: અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ વાર્તા રદ્દ થયા બાદ અમેરિકન રક્ષા મંત્રાલયનું એક પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે પાકિસ્તાન જશે. આ પ્રતિનિધિમંડળ પાક. આલાકમાન અને મુખ્ય સેન્ય અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. યુએસના સહાયક સંરક્ષણ પ્રધાન રેન્ડલ શ્રીવર એ પાકિસ્તાની દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, બંન્ને દેશોએ તકો ઉભી કરવાની જરૂર છે.

રેન્ડલે વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં શાંતિ પુન:સ્થાપિત કરવાને લઈને પાકિસ્તાની નેતૃત્વ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને અમે બીરદાવીએ છીએ. મહત્વનું છે કે, અમેરિકા પાકિસ્તાનના સમર્થન અને મદદથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ વાર્તાની ડીલ કરી રહ્યું હતું. રેન્ડલે કહ્યું કે, અમે અત્યારે અંતિમ નિર્ણય સુધી નથી પહોંચ્યા. આ મામલે પાકિસ્તાને અમારી જે કંઈ પણ મદદ કરી છે અમે તેને બીરદાવીએ છીએ.

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના સમર્થનની મદદથી તાલિબાન પર દબાણ કરશે કે, તે અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનિકોને આતંકી હુમલાનો શિકાર ન બનાવે. હાલમાં અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા સ્થગિત છે. પાકિસ્તાન ટ્રમ્પ પ્રશાસન અને અફઘાન તાલિબાન વચ્ચે રદ થયેલી વાતચીતને ફરી શરુ કરવામાં મહત્વનો રોલ નિભાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તામાં અફઘાનિસ્તાન સરકારનો કોઈ રોલ નથી કારણ કે, તાલિબાન સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમની હાજરી અને મહત્વને નકારતુ આવ્યું છે. નિષ્ણાંતો માને છે કે, અમેરિકાનો એજન્ડા તાલિબાન સાથે શાંતિ સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી વહેલી તકે સેનાને પરત બોલાવવાનો છે. જોકે, અફઘાન સરકારને આ પ્રક્રિયામાંથી સંપૂર્ણ રીતે કિનારે કરી દેવાઈ છે.