તેલના કૂવા ખોદવા માટે આસામમાં 1300 કરોડનું રોકાણ કરશે ONGC

નવી દિલ્હીઃ તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ(ONGC) એ આસામમાં 13,000 કરોડ રુપિયાથી વધારેના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણથી કંપની આવતા પાંચ વર્ષમાં રાજયમાં 220 તેલ કૂવા ખોદશે.

કંપનીએ બુધવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે તેણે આસામમાં એક્સપ્લોર અને પ્રોડક્શન ગતિવિધિઓને વેગ આપવા માટે રાજ્ય સરકાર સાથે એક સમજૂતી કરી છે. આ રોકાણથી રાજ્યમાં આશરે 220 તેલ અને ગેસ કુવાઓ ખોદવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઓએનજીસી વડાપ્રધાનના આહ્વાન અને હાઈડ્રોકાર્બન વિઝન 2030 અનુસાર વર્ષ 2022 સુધી આયાતમાં 10 ટકાનો ઘટાડો લાવવાની દિશામાં કામ કરી રહી છે.

ઓએનજીસી દેશની સૌથી મોટી ઉર્જા કંપની છે. આ કંપની પાસે દેશભરમાં 3 મોટા પ્લાન્ટ્સ છે અને 13 પ્રોસેસ કોમ્પલેક્ષ છે. આ કંપનીની પાસે 25 હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન છે, જેનું સંચાલન તે પોતે જ કરે છે. કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આશરે 1.551 લાખ કરોડ રુપિયા છે. ONGC ભારતીય ઘરેલૂ ઉત્પાદનના આશરે 73 ટકાનું યોગદાન કરે છે અને કાચા તેલની કુલ આવશ્યકતાનું આશરે 30 ટકા જેટલું ઉત્પાદન કરે છે.

ઓએનજીસીએ ભારતમાં 7 તેલ અને ગેસ ઉત્પાદનશીલ બેસિનો પૈકી 6 ની શોધ કરી છે. ભારતમાં સૌથી મોટી કંપનીએ 8.70 બિલિયન ટન હાઈડ્રોકાર્બન આરક્ષિત ભંડાર સ્થાપિત કર્યા છે. કંપનીનો 31 માર્ચ 2019 ના રોજ સમાપ્ત વર્ષમાં કુલ વ્યાપાર 1,09,654 કરોડ રુપિયા અને વ્હાઈટ પ્રોફિટ 26,715 કરોડ રુપિયા રહ્યો. વર્ષ 2040 સુધી કંપનીનું ગેસ ઉત્પાદન વધીને 40 અરબ ઘનમીટર સુધી પહોંચવાનું અનુમાન છે. વર્ષ 2024માં આ 32 અરબ ઘનમીટર સુધી પહોંચે તેવી અપેક્ષાઓ છે.