મહારાષ્ટ્રઃ NCP, કોંગ્રેસનાં બે ભૂતપૂર્વ પ્રધાન ભાજપમાં જોડાયા

મુંબઈ – કોંગ્રેસ અને તેના ભાગીદાર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને આજે મહારાષ્ટ્રમાં બે મોટા ફટકા પડ્યા છે.

બપોરે, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન હર્ષવર્ધન પાટીલ ભાજપમાં જોડાયા હતા જ્યારે સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રધાન અને વગદાર વરિષ્ઠ નેતા ગણેશ નાઈક ભાજપમાં જોડાઈ ગયા.

નવી મુંબઈના NCPના ધુરંધર નેતા ગણેશ નાઈક નવી મુંબઈ મહાનગરપાલિકામાં એમના 48 નગરસેવકોની સાથે આજે ભાજપમાં સામેલ થઈ ગયા છે.

નવી મુંબઈના વાશી શહેરસ્થિત સિડકો એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ ગયેલા સમારંભમાં ગણેશ નાઈકે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. નાઈકના સમર્થકોએ નાઈકના ભાજપપ્રવેશ અંગે આજે સવારથી જ વાશીમાં ઠેકઠેકાણે બેનરબાજી શરૂ કરી હતી.

હર્ષવર્ધન પાટીલ હવે ભાજપમાં; ઈંદાપુર બેઠક પરથી ચૂંટણીની ટિકિટ પણ મળશે

મહારાષ્ટ્રમાં આવતા મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે વિરોધપક્ષોમાં ધમાસાણ મચી ગયું છે. માત્ર કોંગ્રેસ જ નહીં, પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી શાસક ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવવા માટે જાણીતા નેતાઓની મોટી કતાર લાગી છે.

રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન હર્ષવર્ધન પાટીલ આજે વિધિવત્ ભાજપમાં જોડાઈ ગયા. એમણે ગઈ કાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પાટીલે દક્ષિણ મુંબઈમાં આવેલી ગરવારે ક્લબ ખાતે આજે બપોરે આયોજિત ખાસ સમારંભમાં ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, કિરીટ સોમૈયા, રાજ પુરોહિત જેવા ટોચના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષવર્ધન પાટીલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે એ પણ આજે જ નક્કી થઈ ગયું છે. એ પૂણે જિલ્લાના ઈંદાપુર ખાતેથી ચૂંટણી લડશે.

હર્ષવર્ધન સતત ચાર મુદત સુધી (1995થી 2014) મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા હતા. 1995, 1999, 2004ની વિધાનસભા ચૂંટણીમાં એ પુણે જિલ્લાના ઈંદાપુરમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. એ વખતના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે હર્ષવર્ધનને સહકાર ખાતાના પ્રધાન બનાવ્યા હતા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપી પાર્ટીના ઉમેદવારે હર્ષવર્ધનને હરાવ્યા હતા.

આજના સમારંભમાં પોતે કરેલા સંબોધનમાં હર્ષવર્ધન પાટીલે કેન્દ્ર તથા મહારાષ્ટ્રની ભાજપ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે હું સિદ્ધાંતને અનુસરનારો છું. અમારા જેવા લોકો માટે હવે ભાજપ જ એકમાત્ર પર્યાય છે.

પાટીલે એમ પણ કહ્યું કે હું કોઈ પણ શરત વગર ભાજપમાં જોડાયો છું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભાગીદાર પાર્ટી એનસીપીએ ઈંદાપુર વિધાનસભા બેઠક હર્ષવર્ધન પાટીલ માટે છોડી દેવા તૈયાર ન હોવાથી નારાજ થયેલા હર્ષવર્ધને કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે.

ફડણવીસે પોતાના સંબોધનમાં કહ્યું કે, અમારો પક્ષ એક પરિવાર જેવો છે. અમારો પક્ષ એ કોઈ પરિવારનો પક્ષ નથી. હર્ષવર્ધન પાટીલ ભાજપમાં જોડાઈ જાય એની અમે પાંચ વર્ષથી રાહ જોતા હતા. આખરે આજે એ ભાજપમાં જોડાયા છે. અમે એમનું સ્વાગત કરીએ છીએ.

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જો હર્ષવર્ધન લોકસભા-2019ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા હોત તો બારામતીની બેઠક અમે જીતી લીધી હોત. હર્ષવર્ધન આજે ત્યાંના સંસદસભ્ય બની ગયા હોત.

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે નવા વિપક્ષી નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે ભાજપના જૂના નેતાઓને અન્યાય થવા દેવામાં નહીં આવે.

મુંબઈમાં ઉર્મિલા, કૃપાશંકર સિંહે કોંગ્રેસને તરછોડી દીધી

ઉલ્લેખનીય છે કે, હજી ગઈ કાલે જ ઉર્મિલા માતોંડકર અને કૃપાશંકર સિંહ જેવા મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસને જબ્બર ધક્કો પહોંચ્યો છે. મુંબઈ કોંગ્રેસમાં તુચ્છ પ્રકારનું આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે એવો દાવો કરીને ઉર્મિલાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો કૃપાશંકર સિંહે બંધારણની કલમ 370ના મામલે કોંગ્રેસ પાર્ટીએ લીધેલા વલણથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી એક વધુ પાટીલ નેતા – આનંદરાવ પાટીલ પણ ભાજપમાં જોડાશે એવા અહેવાલો છે. આનંદરાવ રાજ્ય વિધાનપરિષદના સભ્ય છે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણના નિકટના સહયોગી હોવાનું મનાય છે.

આનંદરાવ અમુક દિવસો પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને મળ્યા હતા.

એવી જ રીતે, મુંબઈના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા કૃપાશંકર સિંહ પણ ભાજપનાં મોવડીઓ સાથે વાટાઘાટ ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે. એ પોતાના પુત્ર નરેન્દ્ર મોહન સિંહને સાંતાક્રુઝ (ઈસ્ટ) ઉપનગરના કલીના વિસ્તારની વિધાનસભા બેઠકની ટિકિટ અપાવવાના પ્રયાસમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]