લંડનઃ દુનિયાના સાત સૌથી સમૃદ્ધ દેશોના સમૂહ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓનું ત્રણ-દિવસીય શિખર સંમેલન બ્રિટનના કોર્નવોલમાં શરૂ થઈ ગયું છે. દુનિયામાં ફેલાયેલી કોરોનાવાઈરસ મહાબીમારી વિશે G7 વડાઓએ ચિંતા વ્યક્ત કરી છે અને દુનિયાના અત્યંત ગરીબ દેશોને કોરોના-પ્રતિરોધક રસીઓના કુલ એક અબજ ડોઝનું દાન કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે. આમાં 50 ટકા (50 કરોડ ડોઝ) હિસ્સો અમેરિકાનો છે. બ્રિટન એક વર્ષની અંદર ઓછામાં ઓછા 10 કરોડ ડોઝનું દાન કરશે. G7ના સભ્યો – ફ્રાન્સ અને જર્મનીએ 3-3 કરોડ ડોઝ અને યૂરોપીયન યૂનિયને 10 કરોડ ડોઝ આપવાની જાહેરાત કરી છે.
દેશોને રસીના ડોઝ વહેંચણી અને આર્થિક સહાયતાની નક્કી કરાયેલી એક યોજનાને આધારિત પૂરા પાડવામાં આવશે. 80 ટકા ડોઝ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઘડેલી ‘કોવેક્સ સ્કીમ’ મારફત ફાળવવામાં આવશે. કોરોનાવાઈરસના ફેલાવા બાદ વધારે સારું વિશ્વ બનાવવાનો સંકલ્પ કરવાની બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને G7ને અપીલ કરી છે. G7ની સ્થાપના 1970ના દાયકામાં કરવામાં આવી હતી. તે પછી આ દેશોના વડાઓનું આ 47મું શિખર સંમેલન છે. કોર્નવોલના કાર્બિસ બૅ ખાતે તેનું આયોજન થઈ રહ્યું છે. બ્રિટન આ છઠ્ઠી વાર યજમાનપદ સંભાળી રહ્યું છે. G7માં આ દેશો સભ્ય છેઃ અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને કેનેડા. યૂરોપિયન યૂનિયન પણ આ ગ્રુપમાં સામેલ છે.