પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકાઃ વીજ બિલ રૂ. 20,000ને પાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને લઈને સામાન્ય જનતા ગુસ્સામાં છે. વધતાં વીજ બિલો અને સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઊંચા કરોની વિરુદ્ધ વિરોધ કરવા માટે પાકિસ્તાનમાં હજ્જારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. સરકારનાં ઊંચાં વીજ બિલો અને કરોની વિરુદ્ધ દેખાવકારોએ હજ્જારો વીજ બિલો સળગાવ્યાં હતાં. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પંજાબ પ્રાંતમાં રૂ. 12,000નું વીજ બિલ આવતાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા હતા. આ વ્યક્તિ માત્ર એક પંખો અને બે બલ્બનો ઉપયોગ કરે છે.

સામાન્ય જનતાએ વીજ બિલોને લઈને મોટી સંખ્યામાં રસ્તાઓ પર પ્રદર્શન કર્યાં હતા. જનતાના આક્રોશને લીધે કાર્યકારી વડા પ્રધાન અનવારુલ હકને નોટિસ લેવા અને મુદ્દા પર ચર્ચા કરવા માટે ઇમર્જન્સી મીટિંગ બોલાવવી પડી હતી.

રાવલપિંડીમાં એક દેખાવકારે કહ્યું હતું કે આ સરકારે પાયાની જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ વધારીને નાના પરિવારો માટે ઘરખર્ચ કાઢવો અસંભવ કરી દીધો છે. તેઓ અમને ઊંચા ટેરિફ અને કરોવાળાં બિલ મોકલે છે. એક એવાં ઘરોની કલ્પના કરો- જેમાં બે પંખા અને ત્રણ લાઇટો છે, પરંતુ એનુ વીજ બિલ 20,000 પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ અસ્વીકાર્ય છે અને અમે ત્યાં સુધી વિરોધ કરીશું, જ્યાં સુધી લોકોનું લોહી પીવાના આ પ્રયાસ બંધ ના થાય.

એક દેખાવકારે કહ્યું હતું કે એક તરફ નોકરીઓ નથી, ના વેપાર-ધંધા અને બધું મોંઘું છે, ત્યારે આ બિલો મોકલીને અમને દફનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બિલોની અમે ચુકવણી નથી કરી શકતા. અમે અધિકારીઓને અમારાં વીજ જોડાણો કાપવા અને મીટર પણ નહીં લઈ જવા દઈએ.