હોંગકોંગઃ જાણીતી ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર સોફિયા ચેઉંગ (32)નું એક સેલ્ફી લેતી વખતે પાણીના ધોધમાં પડવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું છે. ‘ધ સન’ અખબારના અહેવાલ અનુસાર, ગઈ 10 જુલાઈએ ચેઉંગ એનાં મિત્રોની સાથે ‘હા પાક લાઈ’ નામના નેચર પાર્કની મુલાકાતે ગઈ હતા. ત્યાં કમનસીબ બનાવ બન્યો હતો.
સોફિયા ધોધની ટોચે ઊભી હતી અને સેલ્ફી લેતી હતી ત્યારે એ પોતાનું સંતુલન ખોઈ બેઠી હતી અને 16-ફૂટ નીચે તળાવમાં પડી હતી. એનાં મિત્રો એને તરત જ હોંગકોંગની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાંના ડોક્ટરોએ એને મૃત ઘોષિત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર સોફિયા ચેઉંગનાં 17.2 હજાર જેટલા ફોલોઅર્સ છે. તે સાહસિક ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. એને હાઈકિંગ, કાયાકિંગ, આઉટડોર પ્રવૃત્તિઓ, ફોટોગ્રાફીનો શોખ હતો. આ બધું એણે તેણે એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની બાયોમાં જણાવ્યું હતું. એ ઘણી વાર સોશિયલ મિડિયા પર પોતાનાં દિલધડક સ્ટન્ટવાળી તસવીરો શેર કરતી હતી. એને કારણે જ તે ફેમસ થઈ હતી. એણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આખરી પોસ્ટ 6 દિવસ પહેલાં મૂકી હતી, જેની કેપ્શનમાં એણે લખ્યું હતું: ‘સારાં દિવસો નજીક આવી રહ્યાં છે. એના નામ છેઃ શનિવાર અને રવિવાર.’