ડોમિનિકામાં જામીન મળ્યા: મેહુલ ચોક્સી ફરી એન્ટીગામાં

સેન્ટ જોન્સ (એન્ટીગ્વા અને બાર્બુડા): ભારતમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા અને ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ફરી એન્ટીગા-બાર્બુડા ટાપુરાષ્ટ્ર પહોંચી ગયા છે. ચોક્સી 2018માં ભારત છોડ્યા બાદ એન્ટીગા ગયા હતા. ત્યાંથી એ ગઈ 23 મેએ પડોશના અન્ય કેરિબીયન ટાપુરાષ્ટ્ર ડોમિનિકામાં ગયા હતા, પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપસર એમને પકડી લેવામાં આવ્યા હતા. ત્યાં 51 દિવસ સુધી કસ્ટડીમાં રહ્યા બાદ ચોક્સીને જામીન મળ્યા છે અને તબીબી સારવાર લેવા માટે ફરી એન્ટીગા જવાની એમને ડોમિનિકાની કોર્ટે છૂટ આપી છે. ચોક્સી ગઈ કાલે એક ચાર્ટર્ડ વિમાન દ્વારા પાછા એન્ટીગામાં પહોંચી ગયા છે. ચોક્સીના વકીલોનો દાવો છે કે એન્ટીગામાંથી ચોક્સીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ડોમિનિકાની કોર્ટે ચોક્સી પાસે જામીનની શરત મુજબ શ્યોરિટી તરીકે 10 હજાર ઈસ્ટર્ન કેરિબીયન ડોલર જમા કરાવ્યા છે. જામીનની અરજી કરતી વખતે ચોક્સીએ એમના તબીબી અહેવાલો સાથે જોડ્યા હતા. ડોક્ટરોએ એમને કોઈ ન્યૂરોલોજિસ્ટ દ્વારા તાકીદે સારવાર કરાવવાની સલાહ આપી છે. આ સેવા હાલ ડોમિનિકામાં ઉપલબ્ધ નથી. ભારતમાં પંજાબ એન્ડ નેશનલ બેન્ક સાથે રૂ. 13,500 કરોડની કરાયેલી છેતરપીંડીના કેસમાં ચોક્સી વોન્ટેડ આરોપી છે. એ 2018થી એન્ટીગાના નાગરિક તરીકે ત્યાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]