વોશિંગ્ટનઃ અમેરિકાની ડ્રગઉત્પાદક કંપની ફાઇઝરે 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. કંપનીએ આશા છે કે વર્ષ 2022ના પ્રારંભ દિવસોમાં કોરોના વાઇરસની રસી બાળકો માટે આવશે. કોરોના રોગચાળાથી બચાવ માટે ફાઇઝર સહિત કેટલીક કંપનીઓની વયસ્કો માટે રસી આવી ચૂકી છે અને એના રસીકરણનું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે.
ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું હતું કે પ્રારંભિક તબક્કે ટ્રાયલ માટે પહેલા વોલિન્ટિયર્સને બુધવારે પહેલું ઇન્જેક્શન દીધું છે. અમેરિકામાં 16 વર્ષ અથવા એથી વધુ વયના લોકોને ફાઇઝરની રસી લાગી રહી છે. અમેરિકામાં બુધવાર સવાર સુધી 6.6 કરોડ લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે. છ માસ સુધી સુધીના બાળકોને કોરોના વાઇરસની રસી લગાવવા માટે આ પ્રકારના ટ્રાયલ્સ ગયા સપ્તાહે મોડર્નાએ પણ શરૂ કર્યાં છે.
અમેરિકામાં માત્ર ફાઇઝરની રસી 16-17 વર્ષ સુધીનાં બાળકોને જ લગાવવામાં આવી રહી છે, જ્યારે મોડર્નાની રસીને 18 વર્ષ કે તેથી ઉપરનાં લોકોને લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી નાનાં બાળકો માટે કોઈ પણ રસીને મંજૂરી આપવામાં નથી આવી. ફાઇઝરે બાળકોમાં બે વાર અપાતી રસીને ત્રણ અલગ-અલગ રીતે ડોઝ આપવાની યોજના બનાવી છે. કંપની પહેલા તબક્કે 144 બાળકોને રસી આપશે. એ પછી કંપનીની 4500 બાળકોને રસી લગાવવાની યોજના છે.
