ઇસ્લામાબાદઃ દેવાંની જાળમાં ફસાયેલું પાકિસ્તાન ફરી હવે કંગાળીનો માર ખમી રહ્યું છે. હવે પાકિસ્તાનના મિત્ર ચીન અને સાઉદી આરબે પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. બંને દેશોએ પાકિસ્તાનમાંથી મૂડીરોકાણમાંથી પાછળ હટવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં હાલ આર્થિક મંદીનો દોર છે, એને કારણે અહીં એક મહિનાથી વિદ્રોહ પણ ચાલી રહ્યો છે. પાકની સ્થિતિ જોઈને રોકાણકારોએ દરવાજા બંધ કરી દીધા છે. ચીન અને સાઉદી આરબે પાકિસ્તાનમાં રૂ. 1.82 લાખ કરોડનું મૂડીરોકાણ અટકાવી દીધું છે. ગયા વર્ષે ચીને પાકિસ્તાનમાં રૂ. 1.42 લાખ કરોડના વધારાના મૂડીરોકાણની વાત કરી હતી, પરંતુ ચીને હવે એ મૂડીરોકાણમાંથી પારોઠનાં પગલાં ભર્યાં છે.
ચીનના પાકિસ્તાનમાં કેટલાય પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ત્યાં ચીની એન્જિનિયર્સ પર આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા. પાકિસ્તાન તેમને પૂરતી સુરક્ષા નહીં પાડી શકવાને કારણે ચીને મૂડીરોકાણ કરવામાંથી હાથ પરત ખેંચ્યા છે. બીજી બાજુ, સાઉદી આરબના પણ પાકિસ્તાન સાથે સંબંધો ખરાબ થયા છે. સાઉદીએ પણ પાકિસ્તાનમાં રૂ. બે લાખ કરોડના મૂડીરોકાણનું વચન આપ્યું હતું, પણ હવે એ ઘટીને રૂ. 40,000 કરોડ પર આવી ગયું છે અને હવે મૂડીરોકાણ પણ અટકી ગયું છે.
ચીન પાકિસ્તાનથી ખાસ્સું નારાજ છે, જેનું કારણ પાકિસ્તાનની અમેરિકાની સાથે વધતી મિત્રતા છે. બીજી બાજુ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂખ્વામાં સતત હુમલાથી પણ ચીનની ચિંતા વધી ગઈ છે. અહીં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી પણ ચીન પાકિસ્તાનમાં મૂડીરોકાણ કરવામાંથી પાછળ હટી રહ્યું છે.
ચીન અને સાઉદી આરબ પછી UAEએ પણ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. UAEએ પણ પાકિસ્તાનમાં રૂ. 83,000 કરોડ મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી હતી, પણ એમાં કોઈ પ્રગતિ થઈ નથી.