કોલંબોઃ હંબનટોટા પોર્ટ પર 99 વર્ષો માટે કબજો કરી લીધા પછી ચીને શ્રીલંકાના એક વધુ મહત્ત્વના પોર્ટ પર કબજો કરી લીધો છે. શ્રીલંકાની રાજધાનીમાં બનનારા કોલંબો પોર્ટ હવે માત્ર કહેવા પૂરતું શ્રીલંકાનું છે. શ્રીલંકાના કોલંબો પોર્ટ સિટી- જેને સીપીસી પણ કહેવામાં આવે છે- ત્યાં એક વધુ એન્કલેવ બની રહ્યું છે, જે સ્થાનિક આજીવિકા અને શ્રીલંકાની સ્થાનિક પરંપરાને હંમેશ માટે ખતમ કરી દેશે.
આ પ્રોજેક્ટથી આ પોર્ટ પર શ્રીલંકાની સંપ્રભુતા પણ ખતમ થઈ ગઈ છે. આ પોર્ટ પર હવે ચીને કબજો થઈ ગયો છે અને નિષ્ણાતોનું માનવું છે કે કોલંબો પોર્ટ પર કબજો કરવાની સાથે ચીને હિંદ મહાસાગરના દરવાજા ખોલી કાઢ્યા છે.
ચીનના ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)ના જણાવ્યા મુજબ કોલંબો પોર્ટ સિટી પર કબજો જમાવ્યા પછી ચીનને ભારતીય મહાદ્વીપ માટે પોતાનું પ્રવેશદ્વાર શ્રીલંકામાં મળી ગયું છે અને એ પોર્ટ ભારતના સૌથી દક્ષિણ બાજુએથી સો કિલોમીટરનું અંતર છે. અહેવાલ મુજબ કોલંબો પોર્ટ સિટી માટેના નિર્માણ માટે ચીન દાદાગીરી કરતાં હિંદ મહાસાગરમાં કેટલીય હેક્ટર જમીન પર કબજો કરી ચૂક્યું છે. વળી ચીનના સિલ્ક રોડ પ્રોજેક્ટ માટે કોલંબો પોર્ટ ઘણું મહત્ત્વનું છે.
કોલંબો પોર્ટ સિટીમાં હવે ચીનનું શાસન ચાલશે અને એ અધિકાર ખુદ શ્રીલંકાની સંસદે જ ચીનને આપ્યા છે. કોલંબો પોર્ટ સિટી માટે ચીન હિન્દ મહાસાગરમાં 269 હેક્ટર જમીન પર ફરીથી દાવો કરીને એના પર કબજો કરી ચૂક્યો છે. જેના પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)નું બાંધકામ કરવામાં આવશે.