વોશિગ્ટન: કોરોનાના વધતા જતા કહેરની વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ચીને કોરોના વાઈરસ વિશે પ્રાથમિક માહિતી છૂપાવી, જેની સજા આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇટાલીમાં કોરોના વાઈરસને કારણે મૃતકોનો સંખ્યા ચીનને પણ વટાવી ગઈ છે. એટલું જ નહીં, અમેરિકામાં પણ મૃત્યુઆંક 200 ને પહોંચ્યો છે.
ટ્રમ્પે કોરોના વાયરસને ચીની વાઈરસ ગણાવતા કહ્યું કે, વિશ્વ તેમના કર્મોની મોટી સજા ભોગવી રહ્યું છે. ટ્રમ્પનો ઈશારો એ વાત પર હતો કે, ચીને યોગ્ય સમયે કોરોના વાઈરસના ફેલાવાની સંપૂર્ણ માહિતી શેર કરી નહતી. ટ્રમ્પે કહ્યું કે, આ બિમારીને ચીનમાંથી જ અટકાવી શકાઈ હોત. તેઓએ કહ્યું હતું કે જો ચીને સમયસર સાચી માહિતી આપી હોત તો અમેરિકન અધિકારીઓ સમયસર પગલા લેત અને આ મહામારીને ફેલાતી અટકાવી શકાઈ હોત.
અમેરિકન રાષ્ટ્રપતિએ અગાઉ કોરોના વાઈરસને લઈને ચીનની કામગીરીની પ્રશંસા કરી હતી પરંતુ હવે તે ચીનથી ખૂબ નારાજ છે અને કોરોના વાઈરસને સતત ‘ચાઇનીઝ વાયરસ’ કહી રહ્યા છે. અમેરિકામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.