103 વર્ષના આ દાદીએ કોરોનાને કહયું બાય બાય…

તેહરાન: ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત લગભગ 164 દેશોમાં કોરોના વાઈરસ ફેલાઈ ચૂક્યો છે. બે લાખથી વધારે લોકો આ વાઈરસથી સંક્રમીત છે. કહેવાય છે કે આ વાઈરસ ઉંમરલાયક વ્યક્તિઓ (વૃદ્ધો) માટે ખતરનાક છે. આ વાતને ખોટી સાબિત કરતા ઈરાનની એક 103 વર્ષની એક મહિલા કોરોનાને પછાડી બિલકુલ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

ઈરાનની રાજધાની તહેરાનથી 180 કિલોમીટર દૂર, સેમનાન હોસ્પિટલમાં દાખલ આ મહિલાએ કોરોના વાઈરસને હરાવી દીધો છે. જો કે, મહિલાનું નામ ત્યાંના અધિકારીઓએ જાહેર કર્યું નથી પરંતુ આ મહિલાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

સેમનાન પ્રાંતના સ્વાસ્થ્ય અધિકારી નાવિદ દાનાઈએ મીડિયાને જણાવ્યું કે 103 વર્ષની એક મહિલા જે કોરાના વાઈરસથી પ્રભાવિત થનારી સૌથી મોટી ઉંમરની મહિલા હતી, જેને કોરોના વાઈરસને હરાવી દીધો છે અને તે હોસ્પિટલથી પરત ઘરે ફરી છે.

આ વૃદ્ધ મહિલાનું આટલું જલ્દી સાજા થઇ જવું એક ચમત્કાર જ છે. કારણ કે આ વાઇરસ ખરાબ ઇમ્યુન સિસ્ટમ વાળા અને વૃદ્ધ લોકો માટે વધારે ખતરનાક છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં વૃદ્ધ લોકો આનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે.

ઈરાનમાં આ ખતરનાક વાઈરસથી સાજા થઈને પાછી ફરેલા આ વૃદ્ધ મહિલા એકલા નથી. આ પહેલા 91 વર્ષીય એક અન્ય વ્યક્તિને પણ દક્ષિણપૂર્વીય ઈરાનની એક હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ વૃદ્ધ વ્યક્તિને હાઇબ્લડપ્રેશર અને અસ્થમાની બિમારી પણ હતી, જે આવા મામલામાં ઘાતક માનવામાં આવે છે. જો કે, આ બંને નાગરિકોને હોસ્પિટલમાં કઈ દવા આપવામાં આવી એ અંગે ડોક્ટરોએ કોઈ માહિતી આપી નથી.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં 17361 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે જેમાં 5389 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. ઈરાનમાં અત્યાર સુધીમાં 1135 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીની અધિકારીઓ સાથે તૈયાર કરવામાં આવેલા WHOના રિપોર્ટ અનુસાર કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામનારા લોકોમાં 21.9 ટકા લોકોની ઉંમર 80 વર્ષથી વધુ છે.