નવી દિલ્હીઃ ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)- જનરેટેડ કન્ટેન્ટનો ઉપયોગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં આગામી ચૂંટણી પર પ્રભાવ પાડી શકે છે, એવી માઇક્રોસોફ્ટે ચેતવણી ઉચ્ચારી છે. એ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઇવાનની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરિણામોને પ્રભાવિત કરવા માટે AIના પ્રયોગનું પરીક્ષણ કર્યું હતું.
વિશ્વમાં કમસે કમ 64 દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણી થવાની છે. આ દેશોમાં સામૂહિક રીતે વૈશ્વિક વસતિનો આશરે 49 ટકા હિસ્સો રહે છે. ગયા મહિને માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન બંને નેતાઓએ મહિલાઓના નેતૃત્વવાળા વિકાસ, આરોગ્ય સહિત AIના ઉપયોગ પર ચર્ચા કરી હતી.
કંપનીની થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમના જણાવ્યાનુસાર ચીની સમર્થિત સાઇબર જૂથો, ઉત્તર કોરિયાની મદદથી વર્ષ 2024 માટે નિર્ધારિત કેટલીય ચૂંટણીને નિશાન બનાવી શકે છે. કંપનીએ કહ્યું હતું કે જનતાની માન્યતાને પ્રભાવિત કરવા માટે સોશિયલ મિડિયાના માધ્યમથી AI પ્રેરિત સામગ્રીનો પ્રયોગ કરીને પોતાના હિતમાં જનતાની માન્યતાને પ્રભાવિત કરી શકે છે.
વળી, ચીન પોતાનાં હિતોને સાધવા AI સામગ્રીનું નિર્માણ અને વિસ્તરણ કરશે. બીજિંગ સમર્થિત એક જૂથ, જે સ્ટોર્મ 1376 અથવા સ્પૈમોફ્લેજને નામ ઓળખાય છે, એ તાઇવાનની ચૂંટણીમાં સક્રિય હતું. આ જૂથે નકલી ઓડિયો અને મીમ્સ સહિતની AIનો પ્રયોગ કરીને સામગ્રી પ્રસારિત કરી હતી, જેનો ઉદ્દેશ કેટલાક ઉમેદવારોને બદનામ કરવાનો અને મતદાતાઓની ધારણાઓને પ્રભાવિત કરવાનો હતો.