કેનેડાના ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ કેનેડાના ડેપ્યુટી PM અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રુડોની વિરુદ્ધ મંત્રીમંડળની અંદર સૌપ્રથમ વાર અસહમતી દર્શાવી હતી. જેથી હવે ટ્રુડોની ખુરશી પર પણ જોખમ ઊભું થયું છે.

ફ્રીલેન્ડના રાજીનામા પછી તેમના કેબિનેટ સહયોગી ડોમિનિક લેબ્લાંકે કેનેડાના નવા નાણાં મંત્રી તરીકે શપથ લીધા હતા.  ફ્રીલેન્ડે ટ્રુડોને રાજીનામા પત્રમાં લખ્યું હતું કે કેનેડાની આયાત પર 25 ટકા ટેરિફ યોજના તરફ ઇશારો કરતાં લખ્યું હતું કે અમારો દેશ આજે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. ટ્રુડો તેમને અન્ય નોકરીમાં સ્થાનાંતરિત કરવા ઇચ્છતા હતા. જેથી મેં રાજીનામું આપી દીધું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એક પત્ર સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ટ્રુડો સાથેના પોતાના મતભેદ વિશે જણાવ્યું હતું. કેબિનેટમાં ટ્રુડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણા મંત્રી તેમ જ નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

મિડિયાના અહેવાલો અનુસાર ફ્રીલેન્ડ અને ટ્રુડો વચ્ચે કામચલાઉ ટેક્સ બ્રેક્સ અને અન્ય ખર્ચનાં પગલાં માટેના સરકારી પ્રસ્તાવને લઈને સંઘર્ષ થયો હતો. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમે નથી ઈચ્છતા કે હું નાણાં મંત્રી તરીકે સેવા આપું, જેથી તમે મને મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી. આથી તેના પર ચિંતન કર્યા પછી, હું એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે મારા માટે એકમાત્ર પ્રામાણિક અને શક્ય એ છે કે કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે.

ખાલિસ્તાન સમર્થક અને ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમિત સિંહે ટ્રુડોને કહ્યું છે કે ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આજે સવારે નાણાં મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ.

જગમિત સિંહે ટ્રુડો પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરતા કહ્યું હતું કે અમે કરિયાણાની ખરીદી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, યુવાનોને પોસાય તેવા આવાસ મળી શકતા નથી અને અમને ટ્રમ્પના ટેરિફનો ખતરો પણ છે તેમ કેનેડામાં હજારો નોકરીઓ જોખમમાં છે. એવામાં કેનેડિયનો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાને બદલે, વડા પ્રધાન તેમના પોતાના પક્ષની અંદર ચાલી રહેલી લડાઈ પર કામ કરી રહ્યા છે.