કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા

વેનકૂવરઃ અનેક ખાલિસ્તાની સમર્થકો ગઈ કાલે કેનેડાના વેનકૂવર શહેરમાં આવેલી ભારતીય દૂતાવાસની બહાર એકત્ર થયા હતા અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના કરાયેલા ખાત્મા સામેના વિરોધમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવો આક્ષેપ કર્યો છે કે નિજ્જરના ખાત્મામાં ભારત સરકારનો હાથ છે.

દેખાવકારોએ ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યા હતા, સંગીત વગાડ્યું હતું અને નારા લગાવ્યા હતા. એમાંના કેટલાકે ભારતીય દૂતાવાસની બહાર ભારતનો ધ્વજ સળગાવ્યો હતો. દેખાવોના વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. એક વિડિયોમાં એક દેખાવકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટને જૂતા મારતો દેખાય છે. આવા જ દેખાવો ખાલિસ્તાનીઓએ ટોરોન્ટો શહેરમાં પણ કર્યા હતા.

નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠનનો વડો હતો. એને ગઈ 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં એક ગુરુદ્વારાની બહાર ઠાર મારવામાં આવ્યો હતો. ભારત સરકારે નિજ્જરને આતંકવાદી તરીકે ઘોષિત કર્યો હતો. નિજ્જરને મારવામાં ભારત સરકારનો હાથ હોવાના આક્ષેપોને ભારત સરકાર રદિયો આપી ચૂકી છે અને કહ્યું છે કે આ આક્ષેપ વાહિયાત અને ઉપજાવી કાઢેલા છે.