કેનેડાના વડાપ્રધાનની પત્નીને થયો કોરોના વાયરસ

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. કેનેડાના મીડિયાના મતે પીએમ ટ્રુડોની પત્નીના થોડાંક દિવસ પહેલાં જ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા અને હવ તે પોઝિટિવ આવ્યા છે.

કહેવાય છે કે સોફી ગુરૂવારના રોજ બ્રિટનમાં એક કાર્યક્રમથી પછા આવ્યા હતા ત્યાર બાદ તેમનામાં ફ્લૂ જેવા લક્ષણો દેખાયા હતા. તેમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે તેમનું પરીક્ષણ કરાયું હતું. તેમણે પોતાના ડૉકટરને તાવની ફરિયાદ કરી હતી ત્યારબાદ ડૉકટર્સે તેમની તપાસ અને ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા.

પીએમ ઓફિસે કહ્યું કે વડાપ્રધાન દરરોજની જેમ ગતિવિધિઓમાં ભાગ લેતા રહેશે. તેઓ ફોન કોલ્સનો જવાબ આપવા, વર્ચુઅલ મીટિંગ્સમાં ભાગ લેવા અને કોરોના વાયરસને લઇ ચર્ચા માટે કેબિનેટની મીટિંગમાં સામેલ થવા જેવા કાર્યક્રમોમાં ઉપલબ્ધ રહેશે. જો કે આ બધાની વચ્ચે વડાપ્રધાને કેનેડાના પ્રૉવિન્સિયલ પ્રીમિયરની મીટિંગને રદ્દ કરી દીધી છે. વડાપ્રધાન સિવાય વિપક્ષના નેતા જગમીત સિંહ પણ અસ્વસ્થ થયા બાદથી ઘરેથી જ કામ કરી રહ્યા છે.

સિંહે કહ્યું કે તેઓ ડૉકટરના સંપર્કમાં છે. ડૉકટરોએ કહ્યું કે સિંહ પર કોરોના વાયરસની અસર નથી પરંતુ તેમ છતાંય જ્યા સુધી તેઓ પૂરી રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી લોકો સાથે સંપર્ક ઓછો કરવો જોઇએ. આ બધાની વચ્ચે કેનેડામાં લોકોને વિદેશ પ્રવાસ ન કરવાની અને 14 દિવસ માટે પોતાને અલગ રાખવાનો નિર્દેશ રજૂ કર્યો છે. સાથો સાથ 250થી વધુ લોકોની ભીડવાળા કાર્યક્રમોને રદ્દ કરવાની સલાહ આપી છે.