આખરે કેવી રીતે થઈ આઈબી ઓફિસરની હત્યાઃ આરોપીએ કરી કબૂલાત

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન આઈબી ઓફિસર અંકિત શર્માની હત્યાના આરોપમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હસીન કુરેશી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર તેણે સ્વીકાર્યું છે કે તેણે ચાંદ બાગ પુલિયા પર અંકિતના શરીર પર ઘાતક ચપ્પાથી વાર કર્યા હતા. તેણે જણાવ્યું કે એ દિવસે કઈ રીતે અંકિત શર્માની હત્યા કરીને તેને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

કુરેશીને સ્પેશિયલ સેલે ગુરુવારના રોજ ધરપકડ કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે એ દિવસે તે પોતાના મિત્ર સમીર સાથે ઉપસ્થિત હતો. આશરે 2 વાગ્યે તેણે જોયું કે વિસ્તારમાં હિંસા શરુ થઈ છે તે તેઓ પણ તેમાં જોડાઈ ગયા. ભીડમાં જોડાઈને તેઓ પણ અન્ય સંપ્રદાયના લોકોના ઘરો પર પથ્થર ફેંકવા લાગ્યા. આ વચ્ચે કુરેશીએ ત્યાં મિઠાઈની દુકાન પાસેથી મોટું ચપ્પુ ઉઠાવી લીધું અને તાહિર હુસેનના ઘરની બહાર ઉભો રહી ગયો. હુસેન અને તેના ભાઈ શાહ આલમને શર્માની પત્નીની હત્યાના ષડયંત્રના આરોપમાં પકડવામાં આવી ચૂક્યા છે.

પોલીસની પૂછપરછમાં કુરેશીએ જણાવ્યું કે, ત્યાં થોડો સમય ફર્યા બાદ તેણે જોયું કે 20-30 લોકો એક વ્યક્તિને ઘસેડીને આ બાજુ લાવી રહ્યા હતા. કુરેશીએ દાવો કર્યો છે કે તે એ વ્યક્તિને ઓળખતો નહોતો. તેણે જોયું કે ભીડ તેને લાકડી, પથ્થર, અને બીજા હથિયારોથી નિર્દયતાથી મારી રહી હતી. આ દરમિયાન કુરેશીએ પણ અંકિત પર ચપ્પાથી ત્રણ વાર કર્યા અને લાત પણ મારી. તેણે પોલીસને જણાવ્યું કે થોડા સમય બાદ અંકિતનું શરીર ચાલતું નથી તે જોઈને તેણે નાળામાં ફેંકી દેવામાં આવ્યો.