દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): અહીં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વાર્ષિક સંમેલનમાં ભારત વતી ભાગ લેવા ગયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવીયાને ગઈ કાલે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતા અને ભારતની કોરોનાવાઈરસ-વિરોધી રસીકરણ-ઝુંબેશની પ્રશંસા કરી હતી.
ગેટ્સે કહ્યું હતું, ‘ડો. મનસુખ માંડવીયાને મળીને તથા એમની સાથે વૈશ્વિક આરોગ્ય અંગે વિચારવિમર્શ કરવાનો આનંદ થયો. રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં ભારતે મેળવેલી સફળતા અને આટલા વિશાળ સ્તરે આરોગ્ય ક્ષેત્રે પરિણામો લાવવા માટે ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે એ દુનિયામાં ઘણા દેશો માટે બોધપાઠ સમાન છે.’ ડો. માંડવીયાએ ગેટ્સ સાથે એમની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી છે અને લખ્યું છે કે WEF22 ખાતે બિલ ગેટ્સને મળવાનો આનંદ થયો. એમણે કોવિડ-19 વ્યવસ્થાપનમાં ભારતની સફળતા અને વ્યાપક રસીકરણ પ્રયાસોની પ્રશંસા કરી હતી. અમે ડિજિટલ આરોગ્યને પ્રોત્સાહન આપવા, રોગ નિયંત્રણ વ્યવસ્થાપન સહિત આરોગ્યસેવા ક્ષેત્ર સંબંધિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી.