ઓઇલ કંપનીઓના આશરે રૂ. 1000 કરોડ રશિયામાં ફસાયા

નવી દિલ્હીઃ યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયાએ ડોલરમાં થનારી વિદેશી ચુકવણી પર પ્રતિબંધ મૂકતાં ભારતીય ઓઇલ કંપનીઓની આઠ અબજ રૂબલ (આશરે રૂ. 1000 કરોડ)ની આવક રશિયામાં ફસાઈ ગઈ છે, એમ જાહેર ઓઇલ કંપનીઓના અધિકારીઓએ માહિતી આપી હતી. ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ રશિયામાં ચાર વિવિધ એસેટ્સમાં હિસ્સો ખરીદવામાં આશરે 5.46 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. આ અસ્ક્યામતોમાંથી નીકળનારી ઓઇલ અને ગેસના વેચાણથી ભારતીય કંપનીઓને આવક થાય છે. જોકે યુક્રેન સંકટ પછી રશિયાની સરકારે અમેરિકી ડોલરમાં ચુકવણી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધને કારણે ભારતીય ઓઇલ કંપનીઓની રશિયામાંથી આવક કાઢી નથી શકતી.

વૈંકોરનેફ્ટ ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની પાસે 49.9 ટકા હિસ્સો હોય છે, જ્યારે તાસ યુરિઆખ નેફ્તજોદોબાઇચા ક્ષેત્રમાં એનો હિસ્સો 29.9 ટકા છે. અમને અમારા પ્રોજેક્ટસમાંથી નિયમિત રીતે આવક મળતી રહે છે, પણ રશિયા-યુક્રેન પછી વિદેશી કરન્સીના દરોમાં અસ્થિરતા થવાથી રશિયાની સરકારે ડોલરના વિનિમય પર પ્રતિબંધ મૂકી દીધો છે, એમ ઓઇલ ઇન્ડિયા લિ.ના ડિરેક્ટર (નાણાં) હરીશ માધવે કહ્યું હતું.

તાસ ક્ષેત્રથી ભારતીય કંપનીઓને ત્રિમાસિક ધોરણે આવક મળે છે, જ્યારે વૈંકોરનેફ્ટની આવકની ચુકવણી છ માસિક ધોરણે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે રશિયાના આ ઓઇલ-ગેસ ક્ષેત્રોમાં ભાગીદાર ભારતીય કંપનીઓની આશરે આઠ અબજ રૂબલની આવક ફસાયેલી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે યુક્રેન સંકટ પૂરું થતાં આ રકમ પરત મળશે.