‘મેડ ઈન ઈન્ડિયા’ કોવેક્સિન રસીને WHOની મંજૂરી

જિનેવા/નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવેલી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આખરે આજે ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. વૈશ્વિક સંસ્થાના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે ભલામણ કરી છે કે કોવેક્સિનને તાકીદના ઉપયોગ કરવા દેવામાં આવે. આ સમાચાર અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરી છે.

કોવેક્સિન કોરોનાવાઈરસના લક્ષણો સામે 77.8 ટકા અસરકારક છે અને નવા ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2 ટકા રક્ષણ આપે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં જી-20 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ એધનમને મળ્યા હતા અને કોવેક્સિનને WHOની મંજૂરી આપવાની વ્યક્તિગત રીતે વિનંતી કરી હતી.