મોસ્કોઃ ગુજરાતના રમખાણો વિશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બીબીસી ચેનલની બે-ભાગવાળી દસ્તાવેજી ફિલ્મે ભારતમાં વિવાદ ઊભો કર્યો છે અને મોદી સરકારને રોષે ભરાવી છે ત્યારે રશિયા દેશે આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેણે વડા પ્રધાન મોદીને ટેકો આપ્યો છે.
મોસ્કોમાં સાપ્તાહિક પત્રકાર પરિષદમાં રશિયાના વિદેશ મંત્રાલયનાં મહિલા પ્રવક્તા મારિયા ઝાખારોવાએ બીબીસી ડોક્યૂમેન્ટરી વિશે કમેન્ટ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે બીબીસી તો બ્રિટિશ શાસનમાં પણ ઘર્ષણ ઊભા કરાવવામાં રત રહે છે. તે કેટલાક જૂથોને બીજાઓ સામે લડવા માટે એક શસ્ત્રની જેમ કામ કરે છે. હું એ હકીકત વિશે તમારું ધ્યાન દોરું છું કે બીબીસી જુદા દા મોરચે માહિતી યુદ્ધ જન્માવે છે. તે માત્ર રશિયા સામે જ નહીં, દુનિયામાં બીજે ઠેકાણે પણ આવી પ્રવૃત્તિ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેની બીબીસીની દસ્તાવેજી ફિલ્મ દુનિયાભરમાં બીબીસી વિવિધ મોરચે કેવી રીતે માહિતી યુદ્ધ જન્માવે છે એનું આ એક વધુ ઉદાહરણ છે.
ઝાખારોવાએ બીબીસી બ્રોડકાસ્ટ હાંસી ઉડાવતાં કહ્યું કે, એ કોઈ નિષ્પક્ષ બ્રોડકાસ્ટિંગ અને રેડિયો કંપની નહીં પણ કોઈકની ગુલામ છે. પત્રકારત્વ ઉદ્યોગના મૂળભૂત નિયમોનું તે અવારનવાર ઉલ્લંઘન કરે છે.