હોર્મુઝ બચાવવા ટ્રમ્પને સાથ આપવાની NATO દેશોની ધરાર ના

નવી દિલ્હીઃ ઈરાન સાથેનું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) તથા મોટા ભાગના અન્ય સહયોગી દેશોએ હોર્મુઝ જલસંધિની સુરક્ષા માટે તેમની મદદની અપીલ નકારી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મિડિયા પરની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઈરાનની સૈન્ય ક્ષમતા પૂર્ણ રીતે તૂટી પડી છે અને હવે તેમને NATO દેશો કે અન્ય કોઈની મદદની જરૂર નથી.

ગયા સપ્તાહે ટ્રમ્પે યુરોપિયન દેશો અને અન્ય રાષ્ટ્રોને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ‘હોર્મુઝ જલસંધિ’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મદદ કરવાની અપીલ કરી હતી. ‘ટ્રુથ સોશિયલ’ પરની પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે અમારા મોટા ભાગના NATO સાથી દેશોએ અમેરિકાને જાણ કરી છે કે તેઓ પશ્ચિમ એશિયામાં ઈરાનના આતંકવાદી શાસન સામે ચાલી રહેલા અમારા સૈન્ય અભિયાનમાં જોડાવા માગતા નથી, જોકે લગભગ બધા દેશો આ વાત સાથે સહમત છે કે ઈરાનને કોઈ પણ પરિસ્થિતિમાં પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાએ પણ તેમની મદદની અપીલ અસ્વીકારી છે.

સદનસીબે અમે ઈરાનની સેનાને સંપૂર્ણ રીતે નબળી બનાવી દીધી છે. તેમની નૌસેના ખતમ થઈ ગઈ છે, વાયુસેના ખતમ થઈ ગઈ છે, તેમની વિમાનવિરોધી અને રડાર વ્યવસ્થા પણ નષ્ટ થઈ ગઈ છે. અને કદાચ સૌથી મહત્વની વાત એ છે કે તેમના લગભગ દરેક સ્તરના નેતાઓ હવે રહ્યા નથી, એટલે તેઓ ફરી ક્યારેય અમને, અમારા પશ્ચિમ એશિયાના સાથીઓને કે વિશ્વને ધમકી આપી શકશે નહીં, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે તાજેતરની સૈન્ય સફળતાઓને ધ્યાનમાં લેતાં હવે અમેરિકાને NATO દેશોની મદદની જરૂર પણ નથી અને ઈચ્છા પણ નથી, અને અમેરિકા અગાઉ પણ આવા સમર્થન પર નિર્ભર રહ્યું નથી. ટ્રમ્પે કહ્યું હતું કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશનો રાષ્ટ્રપતિ તરીકે હું કહું છું કે અમને કોઈની મદદની જરૂર નથી.