અમારી રસી કોરોના સ્ટ્રેનનો મુકાબલો કરશેઃ એસ્ટ્રાઝેનેકા

લંડનઃ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે એની કોવિડ-19 રસી નવા કોરોના વાઈરસના પ્રકાર સામે પણ અસરકારક સાબિત થશે, કારણ કે કોરોનાના નવા પ્રકારના વાઈરસમાં સ્પાઈક પ્રોટિનના બંધારણમાં કોઈ ફેરફાર થયો નથી. કંપનીના એક પ્રતિનિધિને ટાંકતા રોઈટર્સ સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે એસ્ટ્રાઝેનેકા કંપનીની રસીમાં સાર્સ-કોવી-2 વાઈરસના સ્પાઈક પ્રોટિનનું જેનેટિક તત્ત્વ છે. નવા વાઈરલ સ્ટ્રેનમાં જેનેટિક કોડમાં જે ફેરફારો દેખાયા છે તેનાથી અમારી રસીના સ્પાઈક પ્રોટિનના બંધારણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

કંપનીનો દાવો છે કે તેણે વિક્સાવેલી રસી શરીરની રોગપ્રતિકારક શક્તિને એવી રીતે તાલીમબદ્ધ બનાવે છે કે જેથી એ સ્પાઈક પ્રોટિનના ઘણા જુદા જુદા ભાગોને પામી લે છે, જેથી વાઈરસને નાબૂદ કરી શકે છે. નવા વાઈરસના મ્યુટેશનને B.1.1.7 લિનિએજ તરીકે ઓળખવામાં આવે છે અને તે 70 ટકા વધારે ચેપી છે તેમજ બાળકો માટે વધારે જોખમી છે. ભારતમાં પુણે શહેરની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપની પણ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની બનાવેલી કોરોના રસીનું પોતાની લેબોરેટરીમાં ઉત્પાદન કરી રહી છે.