ન્યૂયોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, અમે ચીનમાં એક ટીમ મોકલી રહ્યા છીએ કે જે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તે જાણવાનું કામ કરશે. WHO અનુસાર હવે એ જાણવું ખૂબ જરુરી બની ગયું છે કે, કોરોના વાયરસ ક્યાંથી આવ્યો. WHO એ કહ્યું કે, હજી દુનિયાના ઘણા દેશ સંક્રમણ પર રાજનીતિ કરી રહ્યા છે જેનાથી પરિણામ વધારે ખરાબ આવે તેવી શક્યતાઓ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિસસે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે અમારી પાસે વાયરસ વિશેની બધી જ વિગતો હશે તો વધારે સારી રીતે તેની સામે લડી શકાશે. આમાં એ વિગતો મળવવી જરુરી છે કે આ વાયરસ આવ્યો ક્યાંથી. અમે લોકો આવતા સપ્તાહે એક ટીમને આ મામલે જાણકારી મેળવવા માટે ચીન મોકલી રહ્યા છીએ અને આશા છે કે આ વાયરસની ઉત્પત્તિ વિશે સમજવામાં મદદ મળશે.
જો કે, અહીંયા એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ ટીમમાં કોણ કોણ હશે અને ન તો તેમણે એ જણાવ્યું ટીમનો વિશેષ ઉદ્દેશ્ય શું હશે. WHO મે મહિનાની શરુઆતથી જ ચીનને વારંવાર કહી રહ્યું છે કે તે અમારા વિશેષજ્ઞોની ટીમને બોલાવે કે જે કોરોના વાયરસના એનિમલ સોર્સ વિશે વિગતો મેળવી શકે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ પશુઓમાંથી માણસમાં આવ્યો છે. સંભવતઃ વુહાનના એક બજારથી કે જ્યાં અસાધારણ જાનવરોના માંસનું વેચાણ થાય છે.