બિડેને ચૂંટણી પ્રચારમાં મેધા રાજને ડિજિટલ વિભાગનાં હેડ બનાવ્યા

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ચૂંટણી પક્ષો દેશ-વિદેશમાં ડિજિટલ પ્રચાર કરવા વર્ચ્યુઅલ હાજરી પર વધુ ને વધુ ભાર મૂકતા જાય છે. આ સંદર્ભે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને 2020ની અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બિડેને તેમના ચૂંટણી કેમ્પેન ટીમનું વિસ્તરણ કર્યું છે અને તેમણે ભારતીય મૂળનાં અમેરિકન મેધા રાજને ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યાં છે.

બિડેને વર્ચ્યુઅલ ચૂંટણી ઝુંબેશની કામગીરી માટે અનેક વ્યક્તિઓની નિયુક્તિ કરી

બિડેને રાજ ઉપરાંત 23 જૂને તેમના વર્ચ્યુઅલ ચૂંટણી ઝુંબેશની કામગીરી માટે અનેક વ્યક્તિઓની નિયુક્તિ કરી છે. પ્રાથમિક સ્તરે ફંડ એકત્ર કરવા માટે રાજ સાથે ક્લાર્ક હમફ્રેની નવા ડેપ્યુટી ડિજિટલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જોસ નુન્ઝે ડિજિટલ ઓર્ગેનાઇઝિંગ ડિરેક્ટર, અને ક્રિશ્ચિયન ટોમની ડિજિટલ પાર્ટનરશિપના નવા ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ચાર જણ જેમની સાથે કામ કરશે તેમાં અનુભવી કમલા હેરિસ, પીટ બટિગિગ અને હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક રાષ્ટ્રપતિના ઉમેદવારના ચૂંટણીપ્રચારનું ડિજિટલ કાર્ય, ટ્વિટર અને ફંડ એકત્ર કરવા પર ધ્યાન આપશે.

કોરોનાએ ચૂંટણીપ્રચારનું સ્વરૂપ બદલ્યું

વૈશ્વિક કોરોના રોગચાળાની વેક્સિન હજી શોધાઈ નથી, ત્યારે આ રોગચાળાએ ચૂંટણીપ્રચારની પરંપરાગત રીતે બદલી નાખી છે. જેથી બિડેનની ચૂંટણીપ્રચારની કામગીરી રૂપે દેશના મતદારો ઓનલાઇન કે ઓફલાઇન સાથે સંબંધો કેળવી આ ટીમ તેમના સંપર્કમાં રહેવા સાથે મતદારોમાં તેમના ઉમેદવાર માટે ચૂંટણીપ્રચાર કર્યા કરે છે.

મેધા રાજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBA કર્યું છે

મેધા રાજ જ્યોર્જટાઉન યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં ગ્રેજ્યુએટ થયાં છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBA કર્યું છે. રાજ ડિજિટલ વિભાગના તમામ પાસાંઓ પર કામ કરશે અને ડિજિટલ પ્રચારમાંથી તેમની પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે મહત્તમ પ્રચાર કરવાની વ્યવસ્થાની દેખરેખ રાખશે. આ પહેલાં તે ભૂતપૂર્વ ડેમોક્રેટિક રાષ્ટ્રપતિના ઉમેદવાર પીટ બટિગિગના કેમ્પેનમાં સેવા આપી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે જો બિડેનના ચૂંટણી કેમ્પેનમાં હું જોડાતાં ખૂબ ઉત્સાહિત છું. ચૂંટણી આડે હવે 130 દિવસ બાકી છે ત્યારે આપણે એક મિનિટ પણ વેડફવી ના જોઈએ, એમ તેમણે લિન્કડિન પ્રોફાઇલમાં લખ્યું હતું.  

 રાષ્ટ્રપતિપદના નામાંકનનો સ્વીકાર

77 વર્ષીય જો બિડેન ત્રીજી નવેમ્બરે યોજાનારી અમેરિકી ચૂંટણીઓમાં 74 વર્ષીય રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન 20 ઓગસ્ટે વિસ્કોન્સિનના મિલ્વૌકી શહેરમાં પાર્ટીના સંમેલનમાં ઔપચારિક રીતે ડોમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના નામાંકનનો સ્વીકાર કરશે.

બિડેનનું ચૂંટણી કેમ્પેન પ્રારંભમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ઓનલાઇન ચૂંટણી પ્રચારની સ્પર્ધાત્મકતામાં સંઘર્ષ કરી રહ્યું હતું, પણ નવા સ્ટાફની નિયુક્તિ પછી તેમણે ચૂંટણી પ્રચાર માટે ડિજિટલ વ્યૂહરચના અપનાવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં ઓનલાઇન ફંડ સ્વરૂપે પહેલી વાર દાન કરનારા દાતાઓ સહિત  1,75,000 દાતાઓ પાસેથી 76 લાખ ડોલર ઊભા કર્યા હતા. આ ઉપરાંત મોટા દાતાઓ પાસેથી 34 લાખ ફંડ એકત્ર થયું હતું, આં કુલ આશરે 1.1 કરોડ ડોલર ફંડ એકત્ર થયું હતું. જે આ કેમ્પેનનું અત્યાર સુધીનું સૌથી મોટું ફંડ હતું. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓનલાઇન દાતાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હતો.

કેટલાંક નવાં જનમત સર્વેક્ષણો અનુસાર જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પ પર આઠ ટકાથી વધુ અંક આગળ છે.