મોદી ગરીબોનાં બેલીઃ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશવાસીઓને છઠ્ઠી વાર સંબોધન કર્યું હતું. આજના સંબોધનમાં એમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારની જાહેરાત કરી અને કહ્યું કે આ યોજના બીજા પાંચ મહિના સુધી લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. હવે તહેવારોની મોસમ પણ શરૂ થવાની છે અને તહેવારોના દિવસોમાં લોકોની જરૂરિયાત સામાન્ય રીતે વધી જતી હોય છે એટલે ગરીબ લોકોને મફતમાં અનાજ પૂરું પાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના જુલાઈથી શરૂ થઈ નવેંબરના અંત સુધી લાગુ રહેશે. આનાથી દેશભરના 80 કરોડ લોકોને ફાયદો થશે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે હવે આપણે કોરોનાની સામે લડતાં-લડતાં આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એ ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં શરદી, તાવ અને ખાંસી થાય છે. આ રોગો હાલની સીઝનમાં વધી જાય છે. આવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયે પોતાનું ધ્યાન રાખો. જો આપણે કોરોનાથી થતાં મોતોની તુલના કરીએ તો દેશમાં લોકડાઉનને લીધે લાખ્ખો લોકોનું જીવન બચાવી શક્યા છીએ. અનલોક-1 પછી લાપરવાહી વધી છે. પહેલાં આપણે માસ્કને બે ગજની દૂરીને લઈને 20 સેકન્ડ હાથ ધોવા માટે બહુ સતર્ક હતા, પણ હવે આપણે વધુ સતર્કતા રાખવી પડશે. જોકે વિશ્વની તુલનામાં દેશમાં ઘણી સારી સ્થિતિ છે. જે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને રોકવા પડશે અને સમજાવવા પડશે. તેમણે ફરી લોકલ માટે વોકલની હાકલ કરી હતી. દેશમાં સ્થાનિક વહીવટી તંત્ર અસરકારક કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે એક દેશના વડા પ્રધાન પર 13,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો, કેમ કે તેમણે જાહેર સ્થળે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. તેમણે જે કહ્યું હતું કે ગામનો પ્રધાન હોય કે દેશનો- કોઈ નિયમોથી ઉપર નથી.

80 કરોડ લોકોને મફત અનાજ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકડાઉન થતાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી હતી. આ યોજના હેઠળ ગરીબાને પોણાબે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. કોરોનાથી લડતાં દેશમાં 80 કરોડ લોકોને ત્રણ મહિનાનું અનાજ- પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફત આપ્યા છે. આ ઉપરાંત પ્રત્યેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી હતી. જે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 12 ગણા લોકોને અને યુરોપિયન યુનિયનની વસતિ કરતાં બમણા લોકોને સરકારે મફત અનાજ આપ્યું છે.

80 કરોડ લોકોને ફરી સરકાર દ્વારા અનાજ અપાશે

તેમણે કહ્યું હતું કે તહેવારોના સમયે જરૂરિયાતો પણ વધે છે અને ખર્ચ પણ વધે છે. જેથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ યોજનાને વધારીને દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી એટલે કે નવેમ્બર મહિના સુધી પરિવારના દરેક સભ્યને એટલે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવશે, જેમાં પાંચ કિલો ઘઉં અથવા પાંચ કિલો ચોખા મફત આપવામાં આવશે. આ સિવાય પ્રત્યેક પરિવારને એક કિલો ચણા મફત આપવામાં આવશે. આ યોજનામાં 90,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આમાં પાછલા ત્રણ મહિનાનો ખર્ચને જોડીએ તો એ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.

વન નેશન વન રેશન

સમગ્ર દેશમાં હવે એક રેશનકાર્ડની વ્યવસ્થા થઈ રહી છે. આનો લાભ એ લોકોને મળશે, જે કમાવા માટે અન્ય રાજ્યોમાં મજૂરી માટે જાય છે. તેમણે કહ્યું હતું કે સરકાર બધાને અનાજ આપી રહી છે એનું શ્રેય અન્નદાતા ખેડૂત અને બીજા  ઇમાનદાર ટેક્સપેયરને જાય છે. તેમણે કહ્યું હતું કે દેશનો અનાજ ભંડાર ભરેલો છે, એટલા માટે ગરીબના ઘેર ચૂલા જાય છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભરો છો. એટલે દેશનો ગરીબ સંકટથી સામનો કરી શક્યા છે. તેમણે દરેક ખેડૂત અને કરદાતાનો આભાર માન્યો હતો.

ખેડૂતોનાં બેન્ક ખાતાઓમાં 18,000 કરોડ રૂપિયા જમા થયા

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પોણા બે લાખ કરોડ રૂપિયા પેકેજ આપવામાં આવ્યું છે. નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાંઓમાં 18.000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 કરોડ જનધન ખાતાઓમાં 31,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.