ચીની એપ્સ પર પ્રતિબંધ તો અલીબાબા પર કેમ નહીં?: વિપક્ષનો સવાલ

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદની સીધી અસર હવે માર્કેટ પર જોવા મળી રહી છે. ભારતમાં ચીની ચીજવસ્તુઓ અને સેવાઓના બહિષ્કારની માંગ ઉગ્ર બની રહી છે. જેને લઈને મોદી સરકારે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. ભારતે ચીન પર ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરતા 59 ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતના યુવાઓમાં આ એપ્લિકેશન્સનો ખૂબ ક્રેઝ હતો અને ડિજિટલ માર્કેટ પર એમનો મોટો કબ્જો હતો.

ભારતમાં આ ચીની એપ્સ પર પ્રતિબંધ પછી હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત વિપક્ષના નેતાઓએ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ટાઈમિંગ અને અન્ય મુદ્દાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે.

 જે લોકો VPN નો ઉપયોગ કરી પ્રતિબંધિત એપ વાપરી રહ્યા છે એનુ શું?

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ ટ્વીટમાં રવિશંકર પ્રસાદને સવાલ કર્યો છે કે, જે લોકો VPN (Virtual Private Network)ની મદદથી પ્રતિબંધિત એપનો ઉપયોગ કરી રહ્યા છે એનું શું?  બીજો સવાલ એ છે કે, લાખો ફોનમાં જે એપ્સ હજુ પણ ઈન્સ્ટોલ છે તેનું શું? શું તેનાથી કોઈપણ પ્રકારનો ખતરો નથી?

મનીષ તિવારીએ કહ્યું કે, આ પ્રતીકાત્મક પ્રતિબંધ લાગી રહ્યો છે. ચીની એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તો યોગ્ય છે, પણ પીએમ કેઅર્સ માટે પણ ચીની કંપનીઓ પાસેથી પૈસા લીધા છે એનું શું? કારણ કે ચીનની દરેક એપમાં તેમના ગુપ્તચર તંત્રનો હાથ હોય છે.

તિવારીએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે, સરકારના લિસ્ટમાં અલીબાબા કંપનીનું નામ કેમ નથી? કારણ કે પેટીએમ સાથે સરકારનું કનેક્શન છે એટલે?  શું તમે એવું કહેવા માગો છો કે અન્ય ચીની એપથી કોઈપણ પ્રકારનો ખતરો નથી.

બીજી બાજુ, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વધુમાં કહ્યું કે, ચીની એપ્સે ભારતમાં જેટલું સંક્રમણ ફેલાવવું હતું એટલું ફેલાવી દીધું છે. ચાઈનીઝ એપ્સની ભારતમાં અસર અને પ્રભાવ ખોટા હતા. સરકારે એની પર પ્રતિબંધ મૂકવામાં મોડું કર્યું છે.